ગંભીર@પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા રંગેહાથે ઝડપાયો

 
ACB

અટલ સમાચાર, પાલનપુર

ઉત્તર ગુજરાતમાં આજે વધુ એક ACB ની સફળ ટ્રેપ થઈ હોવાનું સામે આવ્યું છે. આજે પાલનપુરમાં એક સરકારી વકીલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. વિગતો મુજબ સરકારી વકીલે ફરિયાદીના પુત્રને કોર્ટમાં એક કેસમાં સજા થયા બાદ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ પાલનપુર માં અપીલ દાખલ થયા બાદ તેમાં મદદરૂપ થવા એક લાખની લાંચ માંગી હતી.જોકે ફરિયાદીએ એસીબી ને જાણ કર્યા બાદ છેક ખેડા ACB ની ટીમે પાલનપુરમાં કાર્યવાહી કરી આરોપી સરકારી વકીલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી લીધો હતો. 

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે સરકારી વકીલ લાંચ લેતા ઝડપાઇ જતાં હળકંપ મચી ગયો છે. વિગતો મુજબ સ્થાનિક ફરિયાદીના દીકરા વિરુદ્ધ ફરિયાદીની પુત્રવધુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કરેલ. આ દરમ્યાન ના.પાલનપુર બીજા એડિશનલ ચિફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદીના દીકરાને સજા થયેલ હતી. આ તરફ તે હુકમની સામે આ ફરિયાદીના પુત્રએ બનાસકાંઠા ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ પાલનપુરમાં અપીલ દાખલ કરાવેલ. જે કામે મદદરૂપ કરવાની કાર્યવાહી કરવાના અવેજપેટે આરોપી નૈલેશભાઈ મહેન્દ્રભાઈ જોશી , મદદનીશ સરકારી વકીલ(ઇ.ચા જિલ્લા સરકારી વકીલ, ના.સેસન્સ કોર્ટ પાલનપુર, હાલ રહે:- મકાન નં-૨૨, અંકિત સોસાયટી, ડીસા હાઇવે, પાલનપુર વાળાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસે રૂ.1,00,000 નક્કી કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ એ.સી.બી. અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે.બી.ચુડાસમાના સુપરવિઝન હેઠળ વી.આર.વસાવા, પોલીસ ઇન્સપેકટર તથા એ.સી.બી.સ્ટાફ ખેડા એસીબી પો.સ્ટે,નડિયાદ દ્વારા લાંચના છટકાનુ આયોજન કરાયું હતું. જેમાં વિરાટ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ફ્લોર,વિરાટ ચાની લારીપાસે,જોરાવર પેલેસ રોડ ,પાલનપુર ખાતે આરોપીએ રૂ.1,00,000ની લાંચની રકમ  સ્વીકારતા પકડી પાડ્યો હતો. આ તરફ આરોપી ને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.