રાજનીતિ@રાધનપુર: રઘુ દેસાઇએ જગદીશ ઠાકોર સામે ગંભીર આક્ષેપો કરી હાઇકમાન્ડને લખ્યો પત્ર

અટલ સમાચાર, પાટણ
ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ MLAએ પ્રદેશ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. રઘુ દેસાઈની જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ છે. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ MLA રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણણે કોંગ્રેસને હરાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોરે પાર્ટી વિરુદ્ધનું કામ કરનારાઓને કાબૂમાં ન રાખ્યા. સાથે જ તેમણે જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
શું કહ્યું રઘુ દેસાઇએ ?
રઘુ દેસાઈએ જણાવ્યું કે, એ લોકોએ ભાજપની તરફેણમાં કામ કર્યું હતું. મારી સામે લવિંગજી ઠાકોર ઉમેદવાર હતા. તેમણે 2017માં કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. મેં પણ ટિકિટ માંગી હતી. અલ્પેશ ઠાકોરને રાધનપુર મોકલ્યા તો લવિંગજીને રાતોરાત ભાજપમાં કોણે મોકલ્યા હતા? જગદીશ ઠાકોરને પૂછો કે લવિંગજી ઠાકોર કોનો માણસ છે? 2017માં તેમને કેમ ભાજપમાં મોકલી ત્યાંથી ટિકિટ અપાવી, અલ્પેશ ઠાકોરને હરાવવા માટે. એમના સમર્થકોએ વિરુદ્ધમાં કામગીરી કરી અને તેમને રોક્યા નહીં તો જગદીશ ઠાકોર તેમની જવાબદારીમાંથી છટકી ના શકે.
રઘુ દેસાઇએ કહ્યું કે, જેના માથે આખી કોંગ્રેસને કન્ટ્રોલ કરવાની જવાબદારી હોય તે પાંચ માણસોને કન્ટ્રોલના કરી શકે તો કોંગ્રેસની સરકાર બને ક્યાંથી? આ સાથે તેમણે કહ્યુ કે, મને ખડગે અને રાહુલ ગાંધી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ સૌ ટકા પગલા લેવડાવશે. સાથે વળતાં જવાબ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, મને પાર્ટીના એક સિનિયર આગેવાને જણાવ્યું છે કે, તમે આ બાબતે આગળ ન વધતાં. મેં તેમને સ્પષ્ટ કીધું કે આ મારી એકલાની વાત નથી. ભાજપ સામે વર્ષોથી લડી રહેલા લાખો કોંગ્રેસના કાર્યકરોની વેદનાનો પ્રશ્ન છે. મારી સામે પાર્ટીએ જે પગલાં લેવા હોય તે લે, પરંતુ પાર્ટીએ મને ન્યાય આપવો જોઇએ.