વાતાવરણ@ગુજરાત: ઠંડીમાં ઘટાડાની વચ્ચે વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામગ્ન બન્યા

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ઠંડીના માહોલ વચ્ચે આજથી અનેક જિલ્લામાં માવઠાની આગાહી. રાજ્યમાં અચાનક જ ઠંડીમાં ઘટાડો થયો છે. જેના કારણે લોકોને રાહત મળી છે. જો કે આજથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે..

આજે નર્મદા, ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતી કાલે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદ વરસી શકે છે. તો આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ. નવસારી, ડાંગ અને વલસાડમાં માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો નવસારીના વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

દેશનાં અનેક રાજ્યમાં વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાન 'માંડૂસ'ના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ઠંડી સતત વધી રહી છે. પહાડી રાજ્યોથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ઠંડી વધી છે. સવારે અને સાંજે ધુમ્મસના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિકમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં ઠંડી વધી શકે છે. તે જ સમયે, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને કેરળમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે. બગડતા હવામાનને જોતા તમામ માછીમારોને પણ એલર્ટ રહેવા અને દરિયા તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.