દુ:ખદ@ગુજરાત: રાજ ભારતી બાપુએ ગોળી મારીને આપઘાત કરી લીધો, દારૂ પીતો વીડિયો થયો હતો વાયરલ

Raj Bharti Bapu

અટલ સમાચાર, ડેસ્ક 

ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. તેમના કથિત ઓડિયો અને વીડિયો વાયરલ થયા હતા. તેમના આ કથિત વાયરલ વીડિયો અને ઓડિયોની ચર્ચા આજ સવારથી થઇ રહી હતી. જે બાદ ભારતી બાપુ તણાવમાં આવી જતા તેમને આપઘાત કર્યાનું ચર્ચાઇ રહ્યું છે. 

રાજ ભારતી બાપુએ ખડીયા ગામમાં આવેલી તેમની વાડીમાં પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આ અંતિમ પગલાં બાદ તેમને હોસ્પિટલમાં સારવાર માટે પણ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતુ. 

રાજ ભારતી બાપુની મહિલા સાથેના કથિત અનેક ઓડિયો અને દારૂ સાથેના વીડિયો વાયરલ થયા હતા. જેના કારણે આજ સવારથી રાજ ભારતી બાપુનું નામ ચર્ચાનાં ચકડોળે ચઢ્યું હતુ. બાપુ કથિત ઓડિયોમાં અનેક વિવાદિત વાતો કરતા સંભળાય છે. જેમાં બાપુ મહિલા સાથે પતિ અને પત્ની તરીકે બંધાતા સંબંધોની પણ વાત કરતા હોય તેમ લાગી રહ્યુ છે. આ કથિત ઓડિયોમાં બાપુ એવું પણ બોલતા સંભળાય છે કે, માડીને આ બધી ખબર ન હોય. તેમને થોડી જ જાણ છે, તું ચિંતા ન કરીશ.

થોડા દિવસથી રાજ બાપુનો કથિત વીડિયો પણ સામે આવ્યો હતો. જેની પણ ચર્ચા ઘણી જ હતી. જેમાં બાપુ દારૂનો નશો કરી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે. આ ઉપરાંત તેઓનો કોઇ યુવતી સાથેનો પણ ફોટો વાયરલ થઇ રહ્યો હતો. મેંદરડાનાં ખાખી મઢી મહંત, સુખરામ દાસ બાપુએ આ અંગે જણાવ્યુ કે, કોઇએ કાંઇકને કાંઇક કીધું હોય તો બાપુને દુખ લાગ્યું હોય. કારણ કે, સંતો આત્માનાં ભોળા હોય છે. જેના કારણે કદાચ બાપુએ આવું દુખદ પગલું ભર્યું હોય. બાપુ પાસે જે ગન હતી તેનાથી લગભગ બાપુએ આપઘાત કર્યો છે.