નિવેદન@ગુજરાત: મોરબી દુર્ઘટનાને લઈ નીતિન પટેલે કહ્યુ, બ્રિજનું નવીનીકરણ-લોકાર્પણ વહીવટીતંત્ર દ્વારા કરાયું, સરકારનો કોઈ રોલ નથી

 
Nitin Patel

અટલ સમાચાર, ડેસ્ક 

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં અત્યાર સુધી 134 લોકોના મોત નિપજ્યાં છે. જોકે આ દરમ્યાન હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે, મોરબી બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી.  જોકે અહી મહત્વનું છે કે, હજી ગઈકાલે જ એક ખાનગી ચેનલમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે.

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં શોકનું વાતાવરણ છે. તેવામાં ન્યૂઝ એજન્સી ANI મુજબ નીતિન પટેલે કહ્યું છે કે, બ્રિજનું નવીનીકરણ અને લોકાર્પણ મોરબી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

મહત્વનું છે કે, ગઈકાલે એક ખાનગી ન્યૂઝ ચેનલમાં નીતિન પટેલે કહ્યું હતુ કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી.  આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સરકારે આ મામલે તપાસ સમિતિની રચના કરી છે. ટૂંક સમયમાં તેનો રિપોર્ટ બધાની સામે આવશે જે બાદમાં આમાં કોની ભૂલ છે તે શોધી કાર્યવાહી કરવામાં આવશે.