તપાસ@પંચમહાલ: સ્ટેમ્પ ડ્યુટીમાં 500 કરોડના કૌભાંડની બૂમરાણ, ના.કલેક્ટર મેડમની વાતોથી ઉભા થયા ગંભીર સવાલો

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

હાલોલ પંથકમાંથી સરકારને અને કરદાતાઓને ચોંકાવનારા સમાચાર આવ્યા બાદ વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. જમીન, મકાન, પ્લોટ સહિતના દસ્તાવેજમાં સરકારને ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીમાં મોટાપાયે કથિત ગેરરીતિનો બોમ્બ ફુટ્યો છે. હકીકતમાં થતી સ્ટેમ્પ ડ્યુટી નહિ ભરીને સંગઠિત કૌભાંડ રચી ઓછી ડ્યુટી સરકારમાં ભરી આ કામની કચેરીના સત્તાધિશોએ કરોડો રૂપિયા ભેગા કર્યાના આક્ષેપો ઉઠ્યા છે. વાત કલેક્ટર કચેરી હેઠળ આવતી હોઈ રાજ્યમાંથી તપાસ આવે તે પહેલાં જ પંચમહાલ કલેક્ટર મયાત્રાએ વહીવટી તપાસ શરૂ કરી છે. જોકે હવે તપાસમાં પણ આશંકા હોવાનો સૌથી મોટો સવાલ સામે આવ્યો છે. જે કચેરી સામે વાત છે તેના નાયબ કલેક્ટર પારઘીબેને જણાવ્યું હતું કે, કલેક્ટરનો પત્ર આવ્યો છે એટલે સવાલવાળા 2 કેસની વિગતો મોકલી આપી છે. તો શું માત્ર 2 કેસ‌ પૂરતી જ તપાસ છે ? અન્ય તમામ કેસોમાં કેમ તપાસ નહિ ? આવો જાણીએ સમગ્ર મામલો.

પંચમહાલ જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીમાં ચોરી કરી સરકારના બાબુઓએ સાગરિતો સાથે મળી રોકડી કરી હોવાનું એક કથિત અરજીના આધારે સળગ્યું છે. હાલોલ તાલુકાની સબ રજિસ્ટ્રાર ઓફીસમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં 500 કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીનો આરોપ લાગ્યો છે. હવે આ આરોપ ઉભો કરતી કથિત અરજી હાલોલના જ જાગૃત નાગરિકે છેક મુખ્યમંત્રી સુધી કરી છે. આ કથિત રજૂઆતમાં 5 વર્ષના ગાળામાં 500 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી થઇ હોવાનો આરોપ લગાવાયો છે. આ કથિત અરજીમાં 2 કેસ બતાવી કૌભાંડ રજૂ કર્યું છે. હાલોલની જ એક ખાનગી કંપનીને હરાજી પ્રમાણે જંત્રીની રકમ નહિ ભરાવી કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યાનો આક્ષેપ છે. સાથે જ મકાન બાંધી ઓપન પ્લોટના દસ્તાવેજ કરનારા બિલ્ડર્સ પાસેથી પણ તગડી રકમ લઈને ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો છે. આ બંને કેસ બતાવી છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 500 કરોડની ટેક્ષ ચોરી કરી/કરાવી કૌભાંડ આચર્યું હોવાની બૂમરાણ છે.

Panchmahal

આ સંદર્ભની વાત મ પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા સુધી જતાં કલેક્ટરે કહ્યું કે, કથિત કૌભાંડ અંગે જાણકારી મળી હોઇ કમિટિ બનાવીને તપાસ કરવામાં આવશે. હવે આ તરફ સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર અમિતા પારઘીને પૂછતાં 3 મોટી વાત જણાવી છે. એક તો આક્ષેપો તદ્દન ખોટા છે. બીજું કે, મેં આવીને તો અગાઉ કરતાં ડબલ આવક ઉભી કરી દીધી છે. ત્રીજું કે, કલેક્ટરનો પત્ર મળ્યો તો સવાલવાળા 2 કેસની વિગતો મોકલી આપી છે. હવે જો પારઘીબેને આવીને આવક ડબલ કરી દીધી તો શું તેમના પહેલાં કૌભાંડ થતું હતું એટલે આવક ઓછી હતી ? જો કલેક્ટર એવું કહેતા હોય કે, કમિટી તપાસ કરશે તો સ્ટેમ્પ ડ્યુટીના નાયબ કલેક્ટર પારઘીબેનને માત્ર 2 કેસની વિગતો કેમ પૂછી ?

Panchmahal

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટેમ્પ ડ્યુટી ચોરી કેટલી, કોણે કરી, ક્યારે કરી, ચોરી ખરેખર થઇ હશે કે કેમ? આ તમામ તપાસનો વિષય છે. જોકે ગુજરાતી કહેવત મુજબ સળગ્યા વગર ક્યારેય ધુમાડો આવે નહી. એટલે આક્ષેપો વધારે પડતાં કે ઓછા કે તદ્દન અલગ હોય કે ના હોય પરંતુ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર કચેરીનું અને હાલોલ સબ રજીસ્ટ્રાર કચેરીનું છેલ્લા 5 વર્ષનું રેકર્ડ તપાસી, ખરાઇ કરી, ક્રોસ ચેક કરી જોવામાં આવે તો તપાસનો પારદર્શક રિપોર્ટ તૈયાર થઈ શકે છે. જો કદાચ કૌભાંડ મળી આવે અને આંકડો મોટો આવે તો જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારની ઈમેજ સાચવવા માત્ર અમુક કેસ પેપર જોઈ કથિત કૌભાંડની તપાસ ફાઇલે થાય તો ? આ સવાલ પણ જનહિતમાં ઉભો થાય તેમ છે.