કવાયત@ગુજરાત: આ શહેરમાં સ્કૂલ બોર્ડની શાળાઓ સોલાર પેનલથી થશે સજ્જ, જાણો એક જ ક્લિકે

 
Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓને હવે સોલાર પેનલથી સજ્જ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જે માટે સ્કૂલબોર્ડના બજેટમાં 1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 2036માં અમદાવાદમાં ઓલમ્પિક યોજાય તેવી તૈયારીઓ અગાઉથી તંત્ર દ્વારા ચાલી રહી છે ત્યારે તેના ભાગરુપે જ શહેરની એલિસબ્રિજની શાળામાં સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23નું બજેટ 4 કરોડના વધારા સાથે 1071 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં સ્કૂલબોર્ડની શાળાઓને સોલાર પેનલ લગાવવાનું આયોજન છે. આ અંગે સ્કુલ બોર્ડના ચેરમેન ડો. સુજોય મહેતાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્કીલ ડેવલપ કરવા ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ દરમિયાન પરંપરાગત વ્યવસાયો શીખે અને તેમના વિવિધ સ્કીલ વિકસે, ટેકનીકલ શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુથી વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવાની તક પુરી પાડવામા આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થાય તેવી નીતી બનાવવામાં આવી છે. સૌર ઉર્જાએ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. તેનો મહત્મ ઉપયોગ મ્યુનિસપલ શાળામાં થાય તે માટે પ્રારંભિક તબક્કે વીજ વપરાશ ધરાવતી મ્યુનિસિપલ શાળાઓમાં 1 કરોડના ખર્ચે સોલાર પેનલ નાખવામાં આવશે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના માનસિક, શારીરિક અને સર્વાંગી વિકાસ થાય તેના પર ભાર મુકવામાં આવશે. જે માટે માતૃભાષા સજ્જતા કાર્યક્રમ, શાલાઓમાં સ્વચ્છતા , શ્રીમદ ભાગવદ ગીતા સાર અને શ્લોક લેખન પઠન જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.