બ્રેકિંગ@સાબરકાંઠા: ભાજપનાં બે મોટા નેતા વિરુદ્ધ ગંભીર ફરિયાદ, છેક રાજસ્થાનમાં બાળકીની છેડતીનો આરોપ

 
Gajendrsinh Parmar

અટલ સમાચાર, ડેસ્ક

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. નોંધનીય છે કે, અગાઉ શારિરીક શોષણનો ગંભીર આરોપ મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ પરમારસાથે જેસલમેર જઇ રહી હતી ત્યારે આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી તેની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી. આ બાબતે અરજી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઇ પગલા ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર ચૌહાણ અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધાઇ છે.

શું છે સમગ્ર મામલો 

ગત 1 નવેમ્બર 2020ના રોજ અમદાવાદમાં રહેતી એક મહિલાનો સંપર્ક પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સાથે થયો હતો. એ પછી તેમનો પરિવાર અને સગીર વયની પુત્રી તથા અન્ય લોકો જેસલમેર ફરવા માટે ગયા હતા. તેઓ 10 નવેમ્બરના રોજ જેસલમેર ખાતે ફરવા માટે ગયા હતા. આબુ રોડ તળેટી ખાતે પહોંચ્યા બાદ મહિલાએ ઉલ્ટીની ફરિયાદ કરી હતી. જેથી કાર ઉભી રાખવામાં આવી હતી અને તેઓ ઉલ્ટી કરવા માટે કારમાંથી નીચે ઉતર્યા હતા. પરિવાર સાથે તેઓ ખુલ્લામાં બેસી રહ્યા હતા.

જ્યારે મહિલા કારમાં પરત આવી ત્યારે તેમના પરિવારજનોએ જણાવ્યું કે, કારમાં બેઠેલી તેમની દીકરી અચાનક બહાર આવી હતી અને રડવા લાગી હતી. જ્યારે મહિલાએ રડવાનું કારણ પૂછ્યું તો છોકરીએ જણાવ્યું કે, આ લોકો સાથે તે ક્યાંય જવા માગતી નથી. આ ઘટના બાદ પાંચ માર્ચ 2022ના રોજ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. એ પછી આખી વાત બહાર આવતા મહિલાએ 26 મે, 2022ના રોજ ગજેન્દ્ર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મહિલાએ સિરોહી કોર્ટમાં દાદ માગી હતી.

પોક્સો એક્ટ હેઠળ ફરિયાદથી ચકચાર 

કોર્ટના આદેશ બાદ આબુરોડ તળેટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ અને અન્ય બે શખસો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે પીડિતા અને મહિલાનુ નિવેદન પણ નોંધ્યું હતું. મહત્વનું છે કે, મહિલાએ અમદાવાદમાં આ અંગે ફરિયાદ કરી હતી. પરંતુ ગજેન્દ્ર સિંહના દબાણના કારણે કંઈ થઈ શક્યુ નહોતું. તો મહેશ અમીચંદ પટેલે પણ તેને ડરાવી ધમકાવી હતી કે, આબુરોડની ઘટના અંગે કોઈને કંઈ કહીશ તો જાનથી મારી નાખીશું, રાજકારણમાં અમારી સારી પકડ હોવાથી તું અમારુ કંઈ બગાડી નહી શકે, એવું મહિલાએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગજેન્દ્ર સિંહ પરમાર વિરુદ્ધ એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેણે લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કર્યુ હતું. આ કેસમાં ધારાસભ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મહિલાએ માર્ચ-2022માં આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. જે બાદ ચાંદખેડા પોલીસે તેનું નિવેદન પણ લીધુ હતુ. આ મહિલા અને ધારાસભ્ય સચિવાલયમાં મળ્યા હતા. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, જુલાઈ 2020માં ધારાસભ્યએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.