રિપોર્ટ@ભરૂચ: પાનોલી GIDC કંપનીમાં લાગેલી આગની ગંભીર અસર, આખું ગામ થયું ખાલી

 
Bharuch

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચ જિલ્લાના પાનોલીમાં આવેલી GIDCમાં કેમિકલ કંપનીમાં બુધવારે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જીઆઈડીસીની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં આગ લાગતાં સાતથી વધારે ફાયર ફાઇટરની મદદથી આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ આગને કારણે વાયુ પ્રદુષણ ફેલાયું હતુ. જેના કારણે પાસે આવેલા સંજાલી ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. જેના કારણે આખેઆખું ગામ ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા હતા.

Bharuch

પાનોલી GIDC નજીક આવેલું સંજોલી ગામ આશરે 1500 જેટલી વસ્તી ધરાવે છે. તે તમામ લોકોને સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા રહેવાની ફરજ પડી છે. આ ઉપરાંત વાયુ પ્રદુષણને કારણે અસરગ્રસ્ત લોકોને પણ પ્રાથમિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા તંત્ર પણ સફાળું જાગી ગયું હતુ. ભરૂચના નાયબ કલેકટર એન આર ધાંધલ, અંકલેશ્વર આસિસ્ટન્ટ કલેકટર નતિષા માથુર, અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, જીપીસીબી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ આગ બાદનાં પ્રદુષણને કારણે લોકોને આંખમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની તકલીફ થઇ રહી હતી. જોકે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી હતી. વાયુ પ્રદૂષણમાં કોઈને મોટી જાનહાનિ થવા પામી ન હતી અને સ્થિતિ નોર્મલ થતાં તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ વારંવાર બનતી આવી ઘટનાના પગલે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મહત્વનું છે કે, સંજાલી ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા વહિવટી તંત્ર દોડતુ થયુ હતુ. તકલીફ વધતા લોકો ઘર બંધ કરી નેશનલ હાઈવે નંબર 48 તરફ દોડી જતા 1500 થી વધુ વસ્તી ધરાવતું ગામ ખાલી થઈ ગયુ હતુ. વાયુ પ્રદૂષણની અસર લોકોને થતા એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્તોને નજીકની એચએમપી ફાઉન્ડેશન કોલેજમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. વાયુ પ્રદૂષણમાં કોઈને મોટી જાનહાનિ થઇ ન હતી. સ્થિતિ નોર્મલ થતાં તંત્ર અને લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.