બ્રેકિંગ@ગુજરાત: શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ પદનો ચાર્જ સંભાળ્યો, બનાસ ડેરીને લઈ કહ્યું.....

 
Shankar Chaudhary

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરાઇ છે. ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસસભામાં તમામ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા બાદ આજે વિધાનસભાના એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મંત્રી ઋષિકેશ પટેલે ટેકો આપ્યો હતો. જે બાદ સર્વાનુમતે પ્રસ્તાવનો સ્વિકાર કરાયા બાદ અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી.  

શું કહ્યું શંકર ચૌધરીએ ? 

શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, મને જે જવાબદારી મળી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. થરાદની જનતાને આપેલા વાયદા જલ્દી પુરા કરીશ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બનાસડેરી બાબતે કશું વિચાર્યું નથી. અત્યારે જે કામગીરી છે તેમાં ધ્યાન આપીશું.

નોંધનીય છે કે, થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ગઈકાલે ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી રાજીનામું આપ્યું હતું. વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ભારતીબેન શિયાળની હાજરીમાં રાજીનામું આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે બંધારણીય વ્યવસ્થાના ભાગરૂપે અધ્યક્ષને પક્ષમાંથી રાજીનામુ આપવું પડતું હોય છે.

 

16 હજારની લીડથી શંકર ચૌધરીનો થયો હતો વિજય

તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીનો ભવ્ય વિજય થયો હતો. શંકર ચૌધરીને 116000 મત મળ્યા હતા, જ્યારે ગુલાબસિંહ રાજપૂતને 90900 જેટલા મત મળ્યા હતા. એટલે કે લગભગ 16 હજારની લીડથી મોદી-શાહના નજીકના ગણાતા દિગ્ગજ નેતા શંકર ચૌધરીનો વિજય થયો હતો. આ વર્ષે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક પર ચૂંટણી રસપ્રદ બની હતી. કારણ કે ભાજપે દિગ્ગજ સહકારી આગેવાન 'દૂધવાલા' શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. જેમની સામે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ વિરચંદ ચાવડાને ઉમેદવાર બનાવ્યા હતા.