ચૂંટણી@બનાસકાંઠા: શંકર ચૌધરીને વાવથી નહીં પણ આ બેઠક પરથી ટિકિટ મળશે ? અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

અટલ સમાચાર, બનાસકાંઠા
ગુજરાતમાં ચૂંટણીને પગલે રાજકીય પક્ષોમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના ઢીમાં ખાતે શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં શંકર ચૌધરીએ પાર્ટી જ્યાંથી ટિકીટ આપશે ત્યાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ઢીમાં ખાતે ધરધીધર મંદિર ખાતે શંકરભાઈ ચૌધરીએ પોતાના સમર્થકો સાથે આરતી કરી હતી. ત્યારબાદ તેમણે નિવેદન આપ્યું હતું.
શંકર ચૌધરી વાવ બાદ થરાદમાં ચૂંટણી લડવાની અટકળો પણ ચાલે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઢીમાં ખાતે ભગવાન ધરણીધરની મહાઆરતી કરવાનો લહાવો મળ્યો. આ ભક્તિમય ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાની તમામ બેઠકો જીતે અને સૌનો સાથ, સૌના વિકાસની આ યાત્રા ધબકતી રહે તેવી તમામ કાર્યકરો સાથે પ્રાર્થના કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ પાટણના રાધનપુરમાં બનાસ ડેરીના દૂધ દિન મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરએ મહત્વનું નિવેદન આપ્યું હતું. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરનો ચૂંટણી લડવાને લઈને આડકતરો ઈશારો જોવા મળ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુરમાં સીટ માટે અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે. તો બીજી બાજુ શંકર ચૌધરી માટે પણ વાવથી ચૂંટણી લડવાનો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો અને બનેને જિતાડવા તંજ કસ્યો હતો.