ચૂંટણી@મહેસાણા: સ્મૃતિબેને અમેઠી જઈ ગુજરાતીનું પાણી બતાવ્યું: નીતિન પટેલ
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા ખાતે આજે મહિલા સંમેલનનું આયોજન કરાયુ હતું. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહેસાણા બેઠક પર ઉમેદવાર મુકેશ પટેલ માટે પ્રચાર કર્યો હતો. જોકે, સ્મૃતિ ઈરાનીએ એક કાંકરે બે પક્ષી માર્યા હતા. તેમણે કોંગ્રેસ તથા આપ બંને પર પ્રહારો કર્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સભામાં કહ્યુ હતું કે, હું પણ તમારી સાથે સ્મૃતિબેનને સાંભળવા ઉત્સુક છું. ભારત જોડો યાત્રા કરવા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નીકળ્યા છે. એ મહિનાઓ સુધી ફરવા નીકળ્યા છે, એટલે કેમકે સ્મૃતિબેને એમને લાંબી રજા પર મોકલ્યા છે. એમને અમેઠીથી હરાવનાર બીજું કોઈ નહિ, પરંતું સ્મૃતિબેન છે.
આ સાથે નીતિન પટેલે ઉમેર્યું હતું કે, સ્મૃતિબેને અમેઠી જઈ ગુજરાતીનું પાણી બતાવી દીધું. સ્મૃતિબેન એમ-નેમ નથી જીત્યા, ગામડે ગામડે ફર્યા, લોક સંપર્ક કર્યો અને રાહુલ ગાંધીને હરાવ્યા. આપણે જાણીએ છીએ કે સેલિબ્રિટીને બધા ઊભા રાખે અને એ જીતે પણ ખરા. પણ જીતવું અગત્યનું નથી, પ્રજાનો વિશ્વાસ ટકાવો એ વધારવો એ ઓછા સેલિબ્રિટી કરી શક્તા હોય છે. મારી જાણકારી મુજબ હેમા માલિની અને સ્મૃતિ ઈરાની સફળ રહ્યા છે સતત જીતે છે. એમની કામગીરી મેં ગુજરાત સરકારમાં રહીને નજીકથી જોઈ છે.
શું કહ્યું સ્મૃતિ ઈરાનીએ ?
મહેસાણામાં પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, નીતિનભાઈએ મારા ખૂબ વખાણ કર્યા. હું બે વાર ગુજરાતથી સાંસદ રહી, બે વાર પ્રસ્તાવો મોદીજીએ આપ્યા હતા, પણ છેલ્લે નીતિનભાઈ હતા. હું ફોર્મ ભરતી એ વખતે નીતિનભાઈ કહેતા કે ભરી આપું છુ, ગુજરાતના લોકો માટે કામ કરજો, સંગઠન માટે કામ કરજો. નીતિનભાઈ તમે જે આશીર્વાદ આપ્યા એમાં ચૂક નથી થઈ. આ ચૂંટણી અમે સરળતાથી નહીં લઈએ. સ્મૃતિ ઈરાનીએ માત્ર કોંગ્રેસને જ નહિ, આપ પાર્ટીને પણ નિશાને લીધા હતા. આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, બીજો એક રેવડીબાજ છે. સુરતમાં કાર્યાલય પર તાળા લાગ્યા છે. આટલી ચૂંટણી થઈ પણ ક્યારેય અમે કોઈની બાને ગાળો નથી આપી. આ લોકોએ એ હદ પણ પાર કરી.