ઠુંઠવાયા@ઉ.ગુ: પાટણમાં 8.4 ડીગ્રી તાપમાન તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બરફની ચાદર છવાઈ

Winter

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ઉત્તરીય ઠંડા પવનોને પગલે હાડ થિજવતી ઠંડી પડતા લોકોને સીઝનની રેકોર્ડ બ્રેક તોડતી ઠંડીનો અનુભવ થયો છે. આ તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. તો વળી પાટણમાં આજે 8.4 ડીગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં રેકોર્ડ 1.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. 

Winter

ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે મહેસાણામાં 8.6 ડીગ્રી, પાટણમાં 8.4 ડીગ્રી, ડીસામાં 8.2 ડીગ્રી, હિંમતનગરમાં 10.1 ડીગ્રી અને મોડાસામાં 10.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તરાયણના દિવસે ગુજરાતનું લઘુતમ તાપમાન 10 ડીગ્રી અને વાસી ઉત્તરાયણના દિવસે લઘુત્તમ તાપમાન 8.3 ડીગ્રી નોંધાયું છે. દિવસનું મહત્તમ તાપમાન 24 ડીગ્રી નોંધાતા લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરજ પડી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાના કારણે હિમાલય તરફથી આવતા સીધા પવન ગુજરાત તરફ આવતાં અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં કડકડતી ઠંડી પડી નોંધાઈ હતી. ઠંડા પવનના કારણે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડીગ્રીએ પહોંચી ગયો હતો. નલિયામાં સૌથી વધુ 1 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. આ સિવાય 10 શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે નોંધાયું હતું. હજુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. જેથી અમદાવાદમાં સિઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડીગ્રી નીચે પહોંચ્યો છે.