સંભાવના@ગુજરાત: તો શું નવા નાણાંકીય વર્ષથી વધી શકે છે જંત્રીના ભાવ ? જાણો એક જ ક્લિકે

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત બાદ નવી સરકાર બની ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતને પૂરપાટ ઝડપે આગળ ધપાવવા માંગે છે. તે જ કારણોસર ગુજરાતમાં છેલ્લા 12 વર્ષથી શક્ય નહીં બનેલો જંત્રીદર સુધારો હવે લાગુ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેસૂલી આવક વધારવા સરકાર જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા નાણાંકીય વર્ષથી નવી જંત્રી લાગુ થાય તેવી શક્યતાઓ છે. જેના કારણે આ વખતના બજેટનું કદ પણ વધી શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લે 2011માં જંત્રીમાં વધારો કરાયો હતો. 

મહત્વનું છે કે, છેલ્લા 10 વર્ષમાં રાજ્યના મહાનગરો અને નગરોમાં પૂર ઝડપે વિકાસ થયો છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી છે. તેમ છતાં વર્ષ 2011ની જંત્રી પ્રમાણે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક થાય છે. તેના પરિણામે રાજ્ય સરકારને ખૂબ મોટું મહેસુલી આવકમાં નુકસાન થાય છે. આ ઉપરાંત બજાર ભાવ વધુ અને જંત્રી ઓછી હોવાના કારણે જમીન સંપાદનમાં પણ સરકારને મુશ્કેલીઓનો સામનો કરવો કરવો પડે છે. જમીનનો બજારભાવ ઊંચો અને જંત્રી ભાવ નીચો રહેવાના પરિણામે રાજ્ય સરકાર દ્વારા મહત્વના પ્રોજેક્ટોમાં જમીન સંપાદનને લઈ અનેક પ્રશ્નો સામે આવે છે. જેના પરિણામે વિકાસલક્ષી પ્રોજેક્ટ ખોરંભે ચડે છે.