ચૂંટણી@ગુજરાત: તો શું ભાજપ આજે મોડી રાતે જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી ? જાણો એક જ ક્લિકે

 
BJP Congress

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનું કાર્ય વેગવંતુ બન્યું છે. આમ આદમી પાર્ટીએ તો અત્યાર સુધીમાં 158 બેઠકો પર ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધાં છે. તો કોંગ્રેસે પણ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇ કવાયત શરૂ કરાઈ છે. ઉમેદવારની પસંદગીને લઇ આજે સાંજે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ બીજી યાદી ફાઈનલ કરી દીધી છે. આજે અથવા આવતીકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે. જોકે, કોંગ્રેસ દ્વારા બીજી યાદીમાં કેટલા અને કંઈ પરથી ઉમેદવારો જાહેર કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. 

સાથે જ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈને મોડી રાત સુધીમાં ભાજપની યાદી જાહેર થઈ શકે છે. સાંજે 6:30 કલાકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. બેઠકમાં 182 ઉમેદવારોના નામ પર મંથન થશે. બેઠકને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. બેઠક બાદ મોડી રાત સુધીમાં નામની યાદી જાહેર થઈ શકે છે. પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં 43 નામો જાહેર કરાયા છે. જેમાં અર્જુન મોઢવાડિયા, ભોલાભાઇ ગોહિલને રિપીટ કરાયા છે. ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ અને કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. આ ઉપરાંત પાર્ટીએ 11 આદિવાસી ઉમેદવારોને પણ ટિકિટ આપી છે.