બ્રેકિંગ@પાટણ: આયાતી ઉમેદવારની સંભાવના વચ્ચે ભારે વિરોધ, ભાજપના કાર્યકરો કમલમમાં પહોંચ્યા

 
Patan BJP

અટલ સમાચાર, પાટણ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપમાં અનેક બેઠકો પર નારાજગીનો સૂર ઊભો થયો છે. તેવામાં પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી પાટણ વિધાનસભાની બેઠક પર BJP દ્વારા આયાતી ઉમેદવારના નામની જાહેરાતની સંભાવના છે. જેને લઈ પાટણ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાર્ટીની આ કામગીરીથી અસંતુષ્ટ કાર્યકરોએ બગવાડા ચોક ખાતે ભાજપ પક્ષ વિરુધ્ધ પ્રદર્શન કરી હૈયાવરાળ ઠાલવી છે. આ સાથે કાર્યકરો મોટો સંખ્યામાં કાર્યકરો હવે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. 

ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી રણસંગ્રામમાં ભાજપ પક્ષે ગુજરાતની બેઠકો પર ટિકિટ ફાળવવા બાબતે ભાજપમાં પણ નારાજગીનો સુર ઉઠવા પામ્યો છે. પાટણ જીલ્લાની 18-પાટણ વિધાનસભા બેઠક પર આયાતી મહિલા ઉમેદવારના નામની જાહેરાતની સંભાવના જોવા મળી રહી છે. જેને લઈ આજે બપોરના સમયે ભાજપના સ્થાનિક ઉમેદવારના ટેકેદારો દ્વારા બગવાડા ચોક ખાતે પક્ષ વિરુધ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાટણની મહત્વની બેઠક પર જેના નામની જાહેરાત થવાની સંભાવના છે તેવા મહિલા ઉમેદવારને પાટણ સાથે કોઇ નાતો ન હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જેને લઈ આજે પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલયે પહોંચી દેખાવો કરી નારા લગાવ્યા હતા. જો આ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો ભાજપના સક્રિય કાર્યકરો સામૂહિક રાજીનામા ધરશે તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.