કવાયત@ગુજરાત: ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા આ શહેરમાં બૂસ્ટર ડોઝ લેવા લોકોની પડાપડી

 
Buster Dose

અટલ સમાચાર, ડેસ્ક

ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. આ તરફ હવે કોરોનાને લઇ અમદાવાદના લોકોમાં ભય જોવા મળ્યો છે. ચીન અને અમેરિકાની સ્થિતિ જોતાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા છે. આજે અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. 

અમદાવાદના અર્બન હેલ્થ સેન્ટર પર બૂસ્ટર ડોઝ લેવા લોકો પડાપડી કરી રહ્યા છે. બૂસ્ટર ડોઝ લેવા અંગે આરોગ્ય કર્મચારીએ કહ્યું હતું કે, છેલ્લા 2 દિવસથી લોકો બૂસ્ટર ડોઝ લેવા આવી રહ્યા છે. આ સાથે એક નાગરિકે જણાવ્યું હતું કે, ચીનની સ્થિતિ જોતાં બૂસ્ટર ડોઝ જરૂરી. મહત્વનું છે કે, હાલ અમદાવાદ શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનની કામગરી ચાલુ છે. જેથી તમામ લોકોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન મળશે. 

મહત્વનું છે કે, ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. તેને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું હતું.