ગંભીર@મહેસાણા: કોણ કરે છે ગંજબજારમાં શંકાસ્પદ ચોખાનો કાળો કારોબાર, કોણે પકડ્યા અને જવા દીધા?

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
મહેસાણા શહેરમાં ફરી એકવાર શંકાસ્પદ અનાજનો કાળો કારોબાર હોવાની બૂમરાણ મચી છે. આજે શંકાસ્પદ ચોખાનો જથ્થો એક સ્થળેથી ભરાઇને બીજા સ્થળે જવા નિકળ્યો હતો. આ દરમ્યાન સત્તાના ચોકીદારોને ધ્યાને આવતાં મથામણ આદરી તેમાં "મોટું" કામ થઈ ગયું હોવાની વાતો પ્રસરી છે. ગંજબજારમાં ચોખાનું ખરીદ વેચાણ નહિ થતું હોવા છતાં ચોખાની બેફામ અવરજવર થઇ રહી છે. શું કેન્દ્ર કે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ અને તેના ગ્રાહકોને કોઈ ગંભીર અસર આપી રહ્યું છે?તે સવાલ શંકાસ્પદ જથ્થાની ઓળખ થાય તો જ ખ્યાલ આવે તેવી નોબત બની છે. આવો જાણીએ કાળા કારોબાર પાછળની આજની દોડધામ વિશે.
મહેસાણા શહેરમાં સરકારી અનાજ સાથે શું કોઈ મોટી ગોઠવણ ચાલી રહી છે? આ સવાલ ગોડાઉન સંબંધિતોને માટે પણ મહત્વનો છે. ચોખા નામનાં અનાજની શંકાસ્પદ હેરાફેરી થાય અને પાછળથી ખેલ પડી જાય આવી વાતો પણ ફેલાઇ જાય તો તેના ઉપર અનેકને વિચારતાં પણ કરી દીધા છે. હવે સમજીએ કોણ છે શંકાસ્પદ હેરાફેરીના ઈસમો અને ક્યાંથી થઈ જાય છે ગોઠવણ ? મહેસાણા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલી છે અને અહિં અનેક જણસોનુ ખરીદ વેચાણ થાય છે. આ જણસોમા ચોખાની બાબતે પૂછતાં મહેસાણા માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ચોખાનું સત્તાવાર કોઈ ખરીદવેચાણ નથી. તો કયો ઈસમ મોટા જથ્થામાં ચોખા મંગાવે અને ખૂબ મોટી માત્રામાં ભેગાં કરી બારોબાર વેચાણ પણ કરે છે. આ બાબતે વધુમાં જણાવતાં સેક્રેટરીએ કહ્યું કે, જો શંકાસ્પદ હેરાફેરી હશે તો તપાસ કરાવીશું.
હવે સમજો કે, મહેસાણા માર્કેટયાર્ડમા ચોખાનું સત્તાવાર ખરીદ વેચાણ નથી તો એક ત્રણ પૈડા વાળી રિક્ષા કે સટલિયુ ચોખા ભરીને જતાં રસ્તામાં સત્તાનાં ચોકીદારોની અડફેટે કેમ ચડી ગયું હતું. શરૂઆતમાં સામાન્ય જણાતી ઉપરછલ્લી પૂછપરછમાં અંતે સત્તાનાં ચોકીદારોને "મોટું" હાથ લાગી ગયું હતું. આટલું તો આટલું સત્તાનાં ચોકીદારોની અડફેટે ચડીને પણ ચોખાનો કાળો કારોબાર કરનાર ઈસમે લાગતાં વળગતા લોકો સમક્ષ કોલર ઊંચો રાખી જણાવ્યું કે, નોટથી વટ સચવાઇ જાય છે. આ સમગ્ર કાંડ પાછળનો પર્દાફાશ ત્યારે જ થાય જ્યારે માર્કેટયાર્ડમાં ચોખાનો કાળો કારોબાર કરનાર ઈસમને શોધી લેવામાં આવે અને તે કેન્દ્ર - રાજ્યના ગ્રાહકો માટે પણ અગત્યનું છે.