શીતલહેર@દેશ: માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 3 ડિગ્રીએ પહોંચ્યું, જ્યાં જુઓ ત્યાં બરફ

 
Mount Abu

અટલ સમાચાર, ડેસ્ક

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે. અહીંનું લઘુત્તમ તાપમાન ફરી ગગડી રહ્યું છે. અહીંના તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતા લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. અહીંનું તાપમાન ફરી માઈનસમાં પહોંચી જતા પ્રવાસીઓને એક નવો માહોલ માણવા મળી રહ્યો છે. ઠંડી વધવાના કારણે ઘાંસના મેદાનો પર બરફની ચાદર છવાઈ ગઈ છે.

શનિવારે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન 0 પર પહોંચ્યા બાદ રવિવારે અહીના તાપમાનમાં વધારે 3 ડિગ્રીનો ઘટાડો થતા તાપમાન માઈનસ 3 પર પહોંચી ગયું છે. જાન્યુઆરી પૂર્ણ થવાની આરે છે ત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 3 પર પહોંચી જતા વાહનો અને ઘાસના મેદાનોમાં બરફ છવાઈ ગયેલો જોવા મળ્યો છે. આ સિવાય રાત્રે ખુલ્લામાં રહેલા પાણી પણ બરફ બનીને જામી ગયો છે. લોકો પોતાના વાહનો પર અને હોટલની બહાર જામેલો બરફ જોઈને રોમાંચિત થઈ રહ્યા છે.

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં તાપમાનનો પારો ગગડતા માઉન્ટ આબુમાં પ્રવાસીઓની ભીડ જામી જતી હોય છે. પરંતુ આ વખતે જાન્યુઆરીમાં કડાકા સાથે ઠંડી પડવાથી પ્રવાસીઓ ઠંડીની મજા માણવા માટે અહીં પહોંચી રહ્યા છે. હોટલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ આ બાબતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે. માઉન્ટ આબુમાં સ્થાનિકો તથા અહીં આવેલા પ્રવાસીઓ ઠંડીથી બચવા માટે ગરમ કપડાની સાથે તાપણાનો પણ સહારો લઈ રહ્યા છે. આગામી દિવસોમાં પણ અહીં ઠંડી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવાસીઓએ કહ્યું કે અહીં એટલી ઠંડી છે કે ખીસ્સામાંથી હાથ બહાર કાઢીએ તો પણ થથરી જવાય છે.