ચૂંટણી@ગુજરાત: દિલ્હીથી BJP હાઈકમાન્ડે અચાનક મહિલા ઉમેદવારોના નામ મંગાવ્યા, કેટલાયના પત્તા કપાઈ શકે ?

 
BJP

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી. હવે પ્રથમ તબક્કાની 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા હવે ગમે તે ઘડીએ જાહેર કરવામાં આવી શકે છે. આ અંગે દિલ્લીમાં ભાજપનુ ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. જેમાં વિધાનસભામાં મહિલા પ્રતિનિત્વ માટે હાઇકમાન્ડ સતર્ક બન્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. દિલ્હીથી BJP હાઈકમાન્ડે મહિલા ઉમેદવારોના નામ મંગાવ્યા છે. જેને લઇને પત્તું કપાવાના ડરથી અનેક નેતાઓમાં સળવળાટ ઉપડ્યો છે. ભાજપએ તાબડતોબ સ્ટ્રેટેજી બદલી આશરે 33 જિલ્લા અને 4 મનપામાં 1 બેઠક પર મહિલા ઉમેદવાર ફરજીયાત કરવા મન મનાવી લીધું છે. 

વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં હાઇકમાન્ડ દ્વારા મહિલા ઉમેદવારના નામ મંગાવવામાં આવ્યા છે. જેમાં મહિલા મત પર નજર કરી મોટા ભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, મોરબી, અમરેલી જિલ્લામાંથી મહિલા ઉમેદવારોના નામો મંગાવાયા છે. તેમાં પણ ખાસ કરીને મોરબી બેઠક પર પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવાનું નામ ચર્ચામાં હોવાની માહિતી મળી રહી છે.

 

ઉમેદવારોની પસંદગીને લઇ ભાજપમાં કવાયત શરૂ થઇ છે. આ અંગે આજે સાંજે ભાજપની મહત્વની બેઠક મળશે. સાંજે 6:30 કલાકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. બેઠક બાદ મોડી રાત સુધીમાં નામની યાદી જાહેર થઈ શકે છે. તેવા પણ એંધાણ વર્તાઇર રહ્યા છે. જે પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.