તડામાર@મહેસાણા: માર્ગ મકાન (પંચાયત)ના ઇન્ચાર્જ ઈજનેરે હોદ્દો સંભાળતાં જ ઢગલાબંધ કામો મંજૂર કર્યા

Mehsana

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જિલ્લા પંચાયતની માર્ગ મકાન શાખામાં ફાઈલો કેમ પડતર નથી રહેતી આવો સવાલ અને તેના પાછળની ચર્ચા જોરમાં છે. આ બાબતે વિગતો ખંગોળતા ધ્યાને આવ્યું કે, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે હોદ્દો સંભાળતાંની સાથે જ સૌપ્રથમ પડતર કામો મંજૂર કરવા ઉપર ધ્યાન આપ્યું હતું. ગણતરીના દિવસોમાં ઢગલાબંધ કામો પ્રગતિ હેઠળ આવતાં રોડ સંબંધિત ગ્રામ પંચાયતોમાં જાણે સળવળાટ આવ્યો છે. ગત આચારસંહિતા દરમ્યાનથી વિલંબમાં ગયેલા તમામ કામો શરૂ થતાં કાઇના ટેબલે ફાઇલ જોવા મળતી નથી. આવો જાણીએ સ્પેશિયલ રિપોર્ટમાં કે, આવું કેવી રીતે બન્યુ.....

Jilla Panchayat mehsana
ફાઈલ તસવીર

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી માર્ગ મકાનના કામો રોકેટ ગતિએ ચાલી રહ્યાનો ઘટનાક્રમ સામે આવ્યો છે. માર્ગ મકાન વિભાગ(પંચાયત) માં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ગોવિંદભાઈ ચૌધરી આવ્યા ત્યારે ચૂંટણી આચારસંહિતાને પગલે અનેક કામો પડતર હતા. મોટી સંખ્યામાં કામો મંજૂરીની કગારમા હોઇ ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયતમાં દોડધામ હતી. જોકે આચારસંહિતા પૂર્ણ થતાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરે તડામાર તૈયારીઓ સાથે ઢગલાબંધ કામો મંજૂર કરી પ્રગતિ હેઠળ આવરી લીધા હતા. આવી સ્થિતિમાં ગણતરીના દિવસોમાં તમામ ફાઇલોનો નિકાલ થતાં સરેરાશ તાજેતરની સ્થિતિએ 208 કામો પ્રગતિ હેઠળ છે. આ સાથે ટેન્ડર ખોલવા ઉપર આંગળીના વેઢે ગણાય એટલાં પણ કામો નથી. તો વળી રદ્દ કરવા પાત્ર એકપણ કામ નહિ હોવાથી રોડ સંબંધિત ગ્રામ્ય પંચાયતોમાં ખુશી બની છે. 

આ અંગે ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લો ખૂબ જાગૃત હોઈ અહિં કામોની ગતિ ઝડપી રહે છે. આચારસંહિતા પૂર્ણ થતાં તમામ પડતર કામોની સમીક્ષા કરી તાત્કાલિક મંજૂર કર્યા છે. જેનાથી એકપણ કામ પડતર નહિ રહેતાં મંજૂર કામો વિવિધ તબક્કે પ્રગતિમાં છે. આ સાથે ટેન્ડર પ્રક્રિયા વાળા કામો પણ તાત્કાલિક અસરથી અમલમાં લેતાં સરેરાશ 30 કામો ટેન્ડર મંજૂર તળે પહોંચ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, 30 ડિસેમ્બર 2022ની સ્થિતિએ કુલ 853 પૈકી 345 કામો તો પૂર્ણ થઈ ગયા છે, જ્યારે ટી.એસ લેવલે અને ડી.પી.સી લેવલે કુલ 167 કામો હોવાનું સામે આવ્યું છે.