ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી, ભારે પવન સાથે આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં બે દિવસ વરસાદનું જોર ઘટશે જે બાદ છૂટો છવાયો વરસાદ રહેશે. 16 જૂનથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.
 
 વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક

મંગળવારે રાજ્યના 22થી વધુ તાલુકામાં વરસાદની પધરામણી થઇ હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતા સપ્તાહથી ગુજરાતમાં સોળેકળાએ ખીલશે. આગામી ચાર દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકાં અને પવન સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં 96થી 104 ટકા વરસાદ પડવાનું અનુમાન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ગત વર્ષે 32 ઈંચ સાથે મોસમનો સરેરાશ 96.70 ટકા વરસાદ નોંધાયો હતો.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

રાજ્યમાં શરૂ થયેલો વરસાદી માહોલ મંગળવારે પણ યથાવત રહ્યો હતો. મંગળવારે દ્વારકા, કચ્છ, ખેડા, બનાસકાંઠામાં વરસાદી માહોલ છવાયો હતો. કોઈક જગ્યાએ સવારે તો કેટલાક સ્થળે બપોર બાદ મેઘરાજાએ જમાવટ કરી હતી. ગાજવીજ અને પવન સાથે મેઘરાજાએ પધરામણી કરતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઇ હતી. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે રાજ્યમાં બે દિવસ વરસાદનું જોર ઘટશે જે બાદ છૂટો છવાયો વરસાદ રહેશે. 16 જૂનથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અનુમાન પ્રમાણે આવતા સપ્તાહે રાજ્યભરમાં સારા વરસાદના સંજોગ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલમાં બપોર બાદ દરિયો તોફાની બન્યો અને ઉંચા મોજા ઉછળ્યા. જેના કારણે પ્રવાસીઓને દરિયાની નજીક ન જવા સૂચના અપાઈ. આ તરફ દ્વારકાના દરિયામાં પણ ઉંચા મોજાં ઉછળ્યા હતા. ગોમતીઘાટ પર 5થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. ત્યારે સહેલાણીઓને પણ સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.