બ્રેકિંગ@પેપરલીક: જુનીયર ક્લાર્ક પેપરલીકના મુખ્ય આરોપીને વહેલી પરોઢે ગુજરાત લવાયો, જાણો હવે શું થશે ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત પેપર લીક કેસમાં ગુજરાત ATS દ્વારા સફળ કામગીરી કરવામાં આવી રહી છે. હૈદરાબાદથી પકડાયેલા મુખ્ય આરોપી જીત નાયકને વહેલી સવારે ગુજરાત લાવવામાં આવ્યો છે. વડોદરામાં ATS દ્વારા પેપર લઈને આવેલા શખ્સની ધરપકડ બાદ જીત નાયક સહિત 16ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 5 આરોપીઓ ગુજરાતના જ્યારે 11 આરોપીઓ ગુજરાત બહારના છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પેપર લીક થયાની માહિતી મળ્યા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ 1181 જગ્યાઓ માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે.
ગુજરાત ATSની ટીમ પેપર હૈદરાબાદની કેએલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાની વિગતો અને આમાં ત્યાં કામ કરતા જીત નાયકની સંડોવણી હોવાની વિગતો મળતા તેની રવિવારે હૈદરાબાદથી ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી જીત નાયકને સોમવારે વહેલી સવારે એટીએસની ટીમ ગુજરાત લઈને પહોંચી છે. હવે આરોપી જીતની પૂછપરછમાં વધુ કેટલાક મહત્વના ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કના પેપર છપાયા તે હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં લેબર તરીકે કામ કરતા જીતે પેપર લીક કરીને તે તેના સગા પ્રદીપ નાયકને આપ્યું હતું. આ પછી પ્રદીપે પેપર બિહારના મુરારી પાસવાનને પેપર આપ્યું હતું. મોરારી અને પીન્ટુ રાય નામનો શખ્સ ગુજરાતની પેપર ફોડ ટોળકીના સંપર્કમાં હતો. આ પછી પેપરને હૈદરાબાદમાં ફોડ્યા બાદ બિહાર થઈને ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું.