બનાવ@અરવલ્લી: ધો-8ના વિદ્યાર્થીનો મૃતદેહ છાત્રાલયમાં લટકતી હાલતમાં મળ્યો, પોલીસ તપાસ શરૂ

 
Sucide

અટલ સમાચાર, માલપુર 

અરવલ્લીમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. અરવલ્લીના ગોવિંદપુર કંપા ગામની છાત્રાલયમાં ધોરણ-8ના વિદ્યાર્થીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે. શાળામાંથી છૂટીને છાત્રાલયમાં ગયા બાદ આ ઘટના બની હતી. માલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીની આત્મહત્યાનું કારણ હાલ જાણી શકાયું નથી.

અરવલ્લીના માલપુરના ગોવિંદપુર કંપા ગામે છાત્રાલયમાં વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. છાત્રાલયના રૂમમાં લટકતો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. મૃતક વિદ્યાર્થી ગોવિંદપુર કંપા પ્રાથમિક શાળાનો ધોરણ 8નો વિદ્યાર્થી છે. શાળામાંથી બપોરે છાત્રાલયમાં ગયા બાદ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થી માલપુરના ડબારણ ગામનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે છાત્રાલય દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ માલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીના પિરવારજનો પણ દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનો મૃતદેહ જોયા બાદ તેની માતાની તબિયત બગડી હતી. તેઓ વિદ્યાર્થીની માતા ઘટના સ્થળે આવતાં જ બેભાન થઇ ગયા હતા. જેના પગલે 108 મારફતે વિદ્યાર્થીની માતાને સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે, હજુ સુધી વિદ્યાર્થીની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. પોલીસે આ મામલે છાત્રાલય સહિતના લોકોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.