વાતાવરણ@અમદાવાદ: આજે ઠંડીનો પારો ગગડીને 8થી 9 ડિગ્રીએ પહોંચવાની આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં ફરીથી ઠાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હાલ ત્રણથી ચાર દિવસ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે. આ ઉપરાંત રાજ્યમાં આગામી દિવસોમાં પણ પડનારી ભારે ઠંડીના કારણે જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોને સવારની પાળીનો સમય સવારે 8 વાગે કરવા પરિપત્ર જારી કર્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેશે અને કમોસમી વરસાદ થવાની સંભાવના નથી. આગામી 3-4 દિવસમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના પણ નથી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે અને કચ્છ, અમદાવાદ અને ભાવનગરનો પારો ગગડશે.
અમદાવાદમાં આજે સોમવારે ઠંડીનો પારો ગગડીને 8થી 9 ડિગ્રીએ પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 9.3 ડિગ્રી નોંધાયું હતું. દિવસભર ઠંડા પવન પણ ચાલુ રહ્યા હતા. રાજ્યના 7 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી ત્રણ-ચાર દિવસ સુધી લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રીથી વધી 12થી 14 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.
રવિવારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મેગાસીટીમાં લોકો ઠૂઠવાયા હતા. રાજ્યમાં નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું. નલિયામાં લઘુતમ તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો બીજી તરફ કંડલામાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ડીસામાં 10.2, ગાંધીનગરમાં 26 ડિગ્રી સેલ્સિયસ, વલ્લભ વિદ્યાનગરમાં 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.