રજૂઆત@ગુજરાત: દેશના 28 પૈકી 27 રાજ્યોમાં Ex.MLAને પેન્શન તો....... પૂર્વ ધારાસભ્યોએ કરી ઉગ્ર માંગણી

 
Ex MLA

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ હવે પેન્શનની માંગ કરી છે. વિગતો મુજબ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગુજરાત Ex.MLA (પૂર્વ ધારાસભ્ય) એમ.એલ.એ. કાઉન્સિલની 46મી કારોબારી અને 26મી જનરલ સભા મળી હતી. અહીં પૂર્વ ધારાસભ્યોના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવાની સાથે ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022માં કાઉન્સિલના સદસ્ય એવા વિજેતા ધારાસભ્યોને સન્માન પણ કરવામાં આવ્યા હતા. આ સાથે સરકાર દ્વારા પૂર્વ ધારાસભ્ય પેન્શન અંગે કોઇ નિર્ણય ન કરાયો હોવાની વાત કરી હતી. 

પૂર્વ ધારાસભ્યો કાઉન્સિલની બેઠક બાદ બાબુભાઈ મેઘજી શાહે પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્યો પૈકી ચૂંટાયા અને 3 મંત્રી બન્યા તેમનું સન્માન કરાયું હતું. પૂર્વ ધારાસભ્યો માટે રૂ. 15 લાખની મેડિકલ સહાય બદલ સરકારનો આભાર માની રહ્યા છીએ. પરંતુ સરકાર દ્વારા હજુ પૂર્વ ધારાસભ્ય પેન્શન અંગે કોઇ નિર્ણય કરાયો નથી. પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે તે અમારી માંગણી છે. દેશના 28 પૈકી 27 રાજ્યોમાં પેન્શન મળે છે માત્ર ગુજરાતમાં જ અપાતું નથી. સરકાર કોઈકનો અહમ પોષવા માટે પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપતી નથી. પેન્શન મામલે પૂર્વ ધારાસભ્યો કાનૂની સલાહ લઈને લડાઈ લડી શકે છે. 

આ સાથે તેમણે કહ્યું કહ્યું કે, રાજ્યપાલ સમક્ષ મુલાકાત કરી કાઉન્સિલમાં થયેલા ચર્ચાના રજૂઆત કરીશું. અન્ય રાજ્યોમાં પૂર્વ ધારાસભ્યો અને સાંસદોને સવલતો મળે છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેના પૂર્વ ધારાસભ્યોને કોઈ સવલત મળતી નથી. 1985માં કોંગ્રેસે 300 રૂપિયા પેન્શન આપવાનો ઠરાવ કર્યો હતો. 1995માં સુરેશ મહેતાની સરકારે પૂર્વ ધારાસભ્યોને અપાતું પેન્શન બંધ કર્યું હતું. કહેવાતા ગાંધીવાદીઓના વિરોધના કારણે પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળતું નથી.

આ તરફ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને પેન્શન નથી આપતા તો સાંસદોને કેમ? ગુજરાતના પૂર્વ સાંસદોને પેન્શન બંધ કરવામાં આવવું જોઇએ. એક જ વ્યક્તિ જો ધારાસભ્ય હોય તો પેન્સન ના મળે સાંસદ હોય તો મળે. બસમાં પણ પૂર્વ ધારાસભ્યો તરીકે અમારી ફજેતી થાય છે. વોલ્વો બસમાં એમને ફ્રીમાં બેસવા પણ દેતા નથી. જે સક્ષમ છે તેને સરકાર પેન્શન ના આપે. જેની પાસે જમીન છે, જે ઈન્કટેકસ ભરે છે તેને પેન્શન ના આપો. જે જરૂરિયાતમંદ અને આર્થિક રીતે સક્ષમ નથી તેને પેન્શન મળવું જોઈએ.