ચોંકયા@સાબરકાંઠા: ના હોય..કિશોરીને વાળ ખાવાની હતી આદત, પેટમાં દુખાવો થતાં તપાસ કરાવી તો... 1 કિલો વાળનો ગુચ્છો નીકળ્યો

અટલ સમાચાર, હિંમતનગર
આપણે સમાજ જીવનમાં જોતાં હોઈએ છીએ કે અનેક વ્યક્તિઓને માટી ખાવાની આદત હોય છે. પણ હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો કે જેમાં એક કિશોરીને વાળ ખાવાની આદત હતી. તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ વાળ કઈ રીતે ખાઈ શકે. પણ હા સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરની એક કિશોરીને વાળ ખાવાની આદત હતી. જોકે હાલમાં જ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન કિશોરીના પેટમાંથી વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક ઓપરેશન દરમ્યાન ન કિશોરીના પેટમાંથી વાળનો ગુચ્છો કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ તલોદના બડોદરાની કિશોરીને એક મહિનાથી પેટમાં દુખાવા અને ઉલ્ટીની ફરિયાદ ઉપડી હતી. જે બાદમાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ સિવિલ હોસ્પિટલમાં છ તબીબોએ બે કલાક સુધી કિશોરીનું ઓપરેશન કર્યું હતું. જેમાં કિશોરીના પેટમાંથી 1 કિલો 200 ગ્રામની વાળની ગાંઠ નીકળી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ગાંઠ 25 ઇંચની નીકળી હતી. કિશોરી પોતાના વાળ ખાતી હોવાનું તબીબે જણાવ્યું છે. જેથી તેના પેટમાંથી આટલી મોટી માત્રામાં વાળનો ગુચ્છો નીકળ્યો હતો. જોકે આ બાળકીને હવે સાત દિવસ સુધી સિવિલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.