ચોમાસુઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે, સરદાર સરોવરની સપાટીમાં ધરખમ વધારો
ડેમ

અટલ સમાચાર, ડેસ્ક


રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે કેવડિયા ખાતે આવેલા સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સ્ટોરીમાં 1.75 મીટરનો વધારો થયો છે. જેના પગલે RBPH અને CHPHના તમામ પાવર હાઉસ યુનિટ શરૂ કરાયા છે. પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125.79 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 1820 મિલિયન ક્યુબીક મીટર છે. ડેમની ઉપર મધ્ય પ્રદેશમાં આવેલા ઇન્દ્રીરા સાગર અને તવા ડેમના તમામ દરવાજા ખોલાયા હોવાથી ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે.


રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૫ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૬૦.૦૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૧૧,૫૫૫ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૩.૩૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૨૪,૪૯૪ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૮.૧૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં ૩૫ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૩ જળાશયો (સરદાર સરોવર સહિત)માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૧ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૫૬ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૫ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૮ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૦૮ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૪ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.