ચૂંટણી@સાબરકાંઠા: હિંમતનગરના અપક્ષ ઉમેદવાર પોતાની મૂછોને લઇ આવ્યા ચર્ચામાં, જાણો કેમ ?

અટલ સમાચાર, હિંમતનગર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આગામી 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. આ દરમ્યાન ઉત્તર ગુજરાતની સાબરકાંઠા જિલ્લા ની હિંમતનગર બેઠકના એક અપક્ષ ઉમેદવાર એક અલગ જ રીતે જાણીતા બન્યા છે. વાત જાણે એમ છે કે, પૂર્વ આર્મી મેન અને અપક્ષ ઉમેદવાર મગનલાલ આ ચૂંટણીમાં પ્રચાર માટે પોતાની મૂછોથી જાણીતા બન્યા છે. હિંમતનગર વિધાનસભામાં તેમની મૂછોના પગલે લોકો વિશેષ આકર્ષિત થઈ રહ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. મગનલાલ સોલંકીનું માનવું છે કે, તેમની જીત થશે તો મોંઘવારી રોજગારી તેમજ ખેડૂતોને સહાય રૂપ બનશે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આગામી 5 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. તેવામાં પહેલી વાર જોવા મળી રહ્યું છે કે, અપક્ષ ઉમેદવાર પોતાની મૂછનો ઉપયોગ પ્રચાર માધ્યમ તરીકે કરી રહ્યા છે. હિંમતનગર વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી કરતા મગનલાલ સોલંકી હિંમતનગર વિધાનસભામાં સફરજનના નિશાન ઉપર ધારાસભ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર મગનલાલ સોલંકી એક એવા ઉમેદવાર કે જે, પોતાની મૂછો ને તાવ આપી ને લોકો માટે આકર્ષિત કરીને પ્રચાર કરતા હોય એવા આ સ્ટાર પ્રચારક બની રહ્યા છે. આ સાથે સ્થાનિક મતદારો પણ તેમને જોવા વિશેષ સમય ફાળવી રહ્યા છે.
મહત્વનું છે કે, હિંમતનગર વિધાનસભા બેઠક પરથી 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી અપક્ષ ઉમેદવારોમાંથી મગનભાઈ સોલંકી એક અલગ રીતે ચર્ચામાં આવ્યા છે. મગનભાઈ મૂછોને કારણે ધીરે-ધીરે લોકપ્રિય બની રહ્યા છે. મગનભાઈ સોલંકી આર્મીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહી આતંકવાદીઓ સહિત વિવિધ યુદ્ધ મોરચે પોતાની ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ હાલમાં લોકસભા બાદ હિંમતનગર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. વિગતો મુજબ તેઓએ દેશ માટે કારગીલ યુધ્ધ સહિત શ્રીલંકા, ચીન સહિત આતંકવાદી ગતિવિધિઓમાં પણ વિવિધ લડાઈ લડી ચૂક્યા છે. મગનભાઈ પોતે ભારતીય સૈન્યમાં નાયબ સૂબેદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને સાથે સૈન્યમાં કામગીરી બદલ 6 મેડલ મેળવી ચૂક્યા છે. મગનભાઈનું કહેવું છે કે, ખેડૂતોને દેવામાફી, બેરોજગારી, પાક વીમાનો પ્રશ્ન અને અસહ્ય મોંઘવારીથી ગરીબોની હાલત કફોડી બનતા તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.