ધૃણાસ્પદ@સુરત: સગીર માતાએ નવજાત બાળકીને બિલ્ડીંગ પરથી ફેંકીને કરી હત્યા, પોલીસે કરી અટકાયત

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં નિષ્ઠુર માતાના કારણે નવજાત બાળકીનું મોત થયુ છે. બિલ્ડીંગ પરથી નવજાત બાળકીને તેની જ માતાએ ફેકી દીધી. પોલીસે સગીરા માતાની અટકાયત કરતા અનેક ખુલાસા થયા. સુરતમાં ફરી એક વખત માનવતાને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના મગદલ્લા ગામમાંથી નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી છે. બિલ્ડીંગ પરથી ફેંકીને માસૂમ નવજાત બાળકીનું મૃત્યુ કરવામાં આવ્યુ. મૃત હાલતમાં બાળકી મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડીને ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી

સુરત ઉમરા પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા બિલ્ડીંગમાં CCTV નજરે પડ્યા હતા. CCTV ચેક કરતા એક મહિલા બાળકીને ફેંકતી હોવાનું નજરે પડ્યું. ત્યાર બાદ ઉમરા પોલીસ, SHE ટીમે સમગ્ર વિસ્તારમા તપાસ શરૂ કરી હતી. બાતમીદારની માહિતીના આધારે પોલીસે એક સગીરાની અટકાયત કરી હતી. સગીરાની અટકાયત કરાતા સમગ્ર મામલે ખુલાસો થયો.

આ તરફ ઉમરા પોલીસે કડક પૂછપરછ કરતા સગીરાએ સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો. સગીરા માતાએ જ નવજાત બાળકીને બિલ્ડીંગ પરથી ફેંકી હોવાનું કબૂલ્યું. રાત્રીના સમયે સગીરાએ નવજાત બાળકીની હત્યા કરી હોવાનું પોલીસ પૂછપરછમાં ખૂલ્યું. ત્યાર બાદ સગીરાએ બિલ્ડીંગ પરથી બાળકીને નીચે ફેંકી દીધી હતી. સાથે જ સગીરાએ ખુલાસો કર્યો કે, સગીરા તેની મિત્રના માધ્યમથી પ્રેમીને મળી હતી. પ્રેમી સાથે અનૈતિક સંબંધના કારણે બાળકીને જન્મ થયો હતો. સગીરા અને તેના પ્રેમી સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.