રાજનીતિ@ગુજરાત: ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં એકમાત્ર મહિલા કેબિનેટ મિનિસ્ટર, જાણો કોણ ?

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં નવા મંત્રીમંડળે શપથગ્રહણ કર્યા છે. આ નવા નવા મંત્રીમંડળમાં ભાનુબેન બાબરીયાને ભૂપેન્દ્ર સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટ મિનિસ્ટર બનવાનું શ્રેય સાંપડ્યું છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના શપગ્રહણમાં રાજકોટ ગ્રામ(એસસી) બેઠક પરથી ચૂંટાયેલા ભાનુબેન બાબરિયાએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર ભાનુબેન બાબરીયા એકમાત્ર મહિલા મંત્રી છે. કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયાને સામાજિક ન્યાય ખાતું મળી શકે છે. ભૂપેન્દ્ર કેબિનેટમાં સ્થાન મેળવનાર તેઓ એકમાત્ર મહિલા દલિત મંત્રી છે.
કોણ છે ભાનુબેન બાબરિયા ?
ભાનુબેન હાલ રાજકોટ મહાનગરપાલિકાના કાઉન્સિલર પણ છે. જોકે તેઓ અગાઉ પણ તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 2007 અને 2012માં આ બેઠક જીતી હતી. ભાનુબેન સ્નાતક છે. ભાનુબેન બાબરીયા ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ ફાયરબ્રાન્ડ લીડર છે. આ જ કારણ છે કે, પાર્ટીએ તેમને ફરીથી રાજકોટ ગ્રામ્ય બેઠક જીતવા માટે ટિકિટ આપી હતી. ભાનુબેનને ભૂતકાળમાં કરેલા કામ સાથે મહિલા હોવાનો પણ લાભ મળ્યો હતો. ભાનુબેન સામે કોઈ ગુનાહિત કેસ નોંધાયેલા નથી. કે અત્યાર સુધી કોઈ મોટા ભ્રષ્ટાચારના કેસમાં તેમનું નામ સામે આવ્યું નથી.
ભાનુબેન બાબરિયાએ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાને હરાવ્યા હતા. ભાનુબેનને 1,19,695 મત મળ્યા હતા અને 48,946 મતોથી મોટી જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવારને 29,000 મત મળ્યા હતા. આવી સ્થિતિમાં ભાનુબેન (ભાનુબેન બાબરીયા)એ મોટી જીત મેળવી હતી. 2012ની ચૂંટણીમાં ભાનુબેન 11,466 મતથી જીત્યા હતા.