હાલાકી@ગુજરાત: સમૂહલગ્નમાં અચાનક તૂટી પડ્યો વરસાદ, જાનૈયાઓ સહિતના લોકોમાં દોડધામ

 
Monsoon Wedding

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતની સાથે અમદાવાદમાં પણ કમોસમી માવઠું થયું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુરમાં આયોજિત સમૂહ લગ્નના સ્થળે વરસાદ પડતા લોકો જમવાની થાળીઓ હાથમાં લઈને દોડતા જોવા મળ્યા હતા. 

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં યોજાયેલા સમૂહ લગ્નમાં વિવિધ તૈયારીઓ ચાલી રહી હતી અને જેમાં વરરાજા અને દૂલ્હનને તૈયાર કરવા સહિતની કામગીરી લગ્નમાં જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. આવામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને લોકો કશું સમજે તે પહેલા તો તોફાની ઝાપટું તૂટી પડ્યું હતું. શરુઆતમાં તો લગ્નમાં આવેલા મહેમાનો વરસાદથી બચવા માટે ઝાડ નીચે અને મંડપ નીચે ઉભા રહ્યા હતા પરંતુ કમોસમી વરસાદનું જોર વધતા લોકોએ પલળી ના જવાય તે માટે સુરક્ષિત સ્થળ પર પહોંચવા માટે દોડવા લાગ્યા હતા. મંડપની અંદર પણ પાણી પડતા લોકોએ દોડધામ કરી મૂકી હતી.

Monsoon Wedding

ઈસનપુરમાં લગ્નમાં વરસાદ તૂટી પડતા જે લોકો જમણવાર કરી રહ્યા હતા તેઓને પણ મંડપની અંદર પલળી જવાનો ડર લાગતા અંતમાં ત્યાંથી જમવાનું ભરેલી થાળીઓ લઈ સુરક્ષિત સ્થળ પર ભાગવા લાગ્યા હતા. પુરુષો, મહિલા અને બાળકો લગ્નના રંગમાં હતા અને વરસાદ ભંગ પાડી દીધો હતો. શરુઆતમાં મંડપની નીચે ઉભા છીએ તો વાંધો નહીં આવે તે માનીને ઉભેલા લગ્નમાં આવેલા મહેમાનો પણ વરસાદે જોર પકડતા ત્યાંથી જમવાની થાળીઓ હાથમાં લઈને જ દોડતા થયા હતા. ઘડીવારમાં તો મંડપ નીચે ઉભેલા એક પછી એક લોકોએ દોડાદોડી કરી મૂકી હતી.

નોંધનીય છે કે, સોમનાથ મહાદેવ દ્વારા ઈસનપુરમાં દાદાની દીકરી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં ભાગ લેનારા વરરાજા અને દુલ્હનની સાથે પરિવારના સભ્યો અને જાનૈયાઓને આ લગ્ન યાદ રહી જશે. માવઠું પડ્યા બાદ અટકી ગયા પછી પણ લગ્નમાં આવેલા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.