દુ:ખદ@રાજકોટ: હાડ થિજવતી ઠંડીમાં વિદ્યાર્થિનીને શાળામાં જ આવ્યો હાર્ટ એટેક ? બાળકીના મોત બાદ સરકાર એક્શનમાં

અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં એ.વી જસાણી શાળાની વિદ્યાર્થિનીનું સંભવિત રીતે હાર્ટ એટેકને કારણે શાળામાં જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે સરકાર એક્શનમાં આવી ગઇ છે. પરિવારના આક્ષેપ બાદ રાજ્ય સરકારે વિદ્યાર્થિનીના મોતનો અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકાર પણ પોસ્ટમોર્ટમની રાહ જોઇ રહી છે જે બાદ જરૂરી કડક પગલાં લેવામાં આવશે.
એ.વી જસાણી શાળાની વિદ્યાર્થિનીના મોતની ઘટના બાદ જસાણી શાળાએ પોતાના સમયમાં ફેરફાર કર્યો છે. શાળાનો સમય 7:30 ના બદલે 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે એટેકના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. જોકે ફોરેન્સિક પી.એમનો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે.
રાજકોટની એ.વી.જસાણી શાળામાં મંગળવારે સવારનાં સમયે ચાલુ શાળામાં ધોરણ આઠની રિયા કિરણકુમાર સાગર (સોની) સવારે 7:23 કલાકે અચાનક બેભાન થઇ ગઇ હતા. જે બાદ તેને સ્કૂલની વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. જે બાદ માલવીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તો બીજી બાજુ દીકરીનાં પરિવારને પણ જાણ કરવામાં આવી હતી.
સમગ્ર મામલે પરિવારજનોએ શાળા પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, દીકરીની ઠંડીને કારણે તબિયત બગડી હતી. આ શાળામાં સ્કૂલનાં સ્વેટર વગર બીજું કોઇ પહેરી શકાતું ન હતું. જેથી વધારે ઠંડી લાગતી હોય છે. મંગળવારે સવારે સાતેક વાગે તેમની દીકરી વાનમાં સ્કૂલે ગઇ હતી. બાદમાં સ્કૂલે પહોંચી પ્રાર્થના બાદ સ્કૂલના ક્લાસરૂમમાં લેક્ચર ચાલુ હતો ત્યારે જ રીયા અચાનક ઢળી પડી હતી. બાદમાં તેને હોસ્પિટલ લઈ જતાં મોત થયું હતું. આ અંગે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું અને મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા.
આ તરફ DEOએ જણાવ્યું છે કે, શાળાની સ્થાનિક પરિસ્થિતિમાં સમય બદલવા માટેનો નિર્ણય શાળાએ કરવાનો હોય છે. દાખલા તરીકે, વધુ ઠંડી, વધુ ગરમી, ભૂકંપ, વરસાદ, પૂર, વાવાઝોડાની પરિસ્થિતિમાં શાળાએ સ્થાનિક કક્ષાએ કોઇપણ નિર્ણય કરવાનો હોય છે. છતાં પણ આ અંગેની સૂચના પણ આપવામાં આવી હતી. કદાચ આ શાળાએ સમય મોડો કર્યો નહીં હોય પરંતુ રાજકોટની તમામ શાળાએ આ નિર્ણય લઇને સમય મોડો કર્યો હતો.