ઘટના@અમદાવાદ: બુકીઓના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, સ્થાનિકોએ બચાવ્યો, જાણો પછી શું થયું ?

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના નહેરુબ્રિજ પરથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ દરમ્યાન આસપાસનાં લોકો અને વાહન પરથી જઇ રહેલા લોકોએ યુવકને બચાવી લીધો હતો. વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના પ્રયાસનો આરોપ કરવામાં આવ્યો છે. યુવકને પોલીસને સોંપાયો છે જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ યુવકને લોકોએ નવરંગપુરા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ વિપુલ વિક્રમભાઈ વ્યાસ હોવાનું જાણવા મળ્યું હતું. તે વ્યક્તિ ઓઢવમાં રહે છે. વિપુલે ક્રિકેટ સટ્ટાના બુકી જિતુ થરાદ, સંદીપ ગુપ્તા, કમલેશ જૈન અને વિકી ગુપ્તા વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પૈસાની ઉઘરાણી માટે ધાકધમકી આપીને હેરાન કરતા હોવાની અરજી આપી હતી.
સમગ્ર મામલે પોલીસે માહિતી આપતા જણાવ્યું છે કે, કમલેશને રૂ.1 કરોડની જરૂર હોવાથી તેણે વિપુલનું મકાન આ લોકો પાસે ગિરવે મુકાવીને પૈસા લીધા હતા. જેની ઉઘરાણી માટે આ લોકો વિપુલને હેરાન પરેશાન કરતા હતા. આ અંગે નવરંગપુરા પીઆઈએ જણાવ્યું હતું કે, વિપુલનું મકાન ગિરવે મૂકી જે પૈસા આવ્યા હતા તેમાંથી વિપુલને માત્ર 21 લાખ જ મળ્યા હતા. જ્યારે બાકીના પૈસા કમલેશ જૈને લઇ લીધા હતા.
આ ઉપરાંત વિપુલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જે ચાર લોકો સામે અરજી કરી છે, તે તમામ ક્રિકેટ મેચ સહિતના સટ્ટાના મોટા બુકી છે. આથી સીધી કે આડકતરી રીતે વિપુલ પણ સટ્ટાના ધંધામાં સંકળાયેલો હોવાનું પોલીસે જણાવ્યુ છે. જોકે વિપુલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાથી ત્યાં ગુનો નોંધ્યો છે.