ઘટના@કલોલ: ભજીયાંની લારી ચલાવતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું

 
Kalol

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગરના કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. ભજીયાંની લારી ચલાવતો યુવક વ્યાજની ચુંગાલમાં ફસાઈ જતાં તેણે કેનાલમાંથી ઝંપલાવીને મોતને વહાલું કર્યું છે. કલોલનો એક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં આવીને પિસાયો હતો. યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં આ અંગેનો ખુલાસો થયો છે. પોલીસે સમગ્ર મામલે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ શરુ કરી છે.

કલોલના મોટા ઠાકોરવાસમાં રહેતા વિનોદ ઠાકોર જૈન દેરાસર પાસે ભજીયાંની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભજીયાંની લારી ચલાવતાં ચલાવતાં વ્યાજખોરોની ચુંગાલમાં વિનોદ ક્યારે ફસાઈ ગયા એનો ખ્યાલ પણ ન આવ્યો અને નાની નાની મૂડી લેતાં તેઓ મોટી ચુંગાલમાં ફસાઈ જતાં આખરે કેનાલમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું. 

મહત્વનું છે કે, મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. ચિઠ્ઠીમાં તમામ વ્યાજખોરોનાં નામ અને તેમની સામે રકમ પણ લખેલી હતી. એમાં ઘણી જગ્યાએ તેમણે એવો પણ ઉલ્લેખ કરેલો છે કે લીધેલા પૈસા કરતાં વધુ પૈસા પણ આપી દીધા તેમ છતાં માગ પૂરી થઈ નથી. સાથે જ એવું પણ લખેલું છે કે ‘મારા પરિવારને હેરાન ન કરતા. કડી પોલીસે ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે.