દુર્ઘટના@અમદાવાદ: અટલ બ્રિજથી યુવકે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, મૃતક પાલનપુરનો હોવાની ચર્ચા

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદનો અટલ બ્રિજ ફરવાનાં સ્થળોમાં હાલ લોકોનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. ત્યારે મંગળવારે મોડી સાંજે અહીં ગોઝારી ઘટના ઘટી છે. આ બ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવ્યું હતુ. જે બાદ ફાયર બ્રિગેડ આ યુવકને શોધતા બે કલાકમાં જ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દૂર્ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
અટલ બ્રિજ બન્યા બાદ આપઘાત કર્યાનો આ પહેલો બનાવ છે. આ યુવક પાલનપુરનો હોવાની માહિતી મળી રહી છે. શહેરનાં અટલ બ્રિજ પર લગાવેલી ફ્રેમ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જોકે બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સરની હાજરીમાં જ યુવકે કઇ રીતે બ્રિજ પરથી ઝંપલાવ્યું તે વિચારવાનો પ્રશ્ન છે. આ બનાવ સામે આવતાની સાથે જ લોકોમાં પણ રોષ દેખાઇ રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, અટલ બ્રિજની ફ્રેમ પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે, આ મોબાઇલ નદીમાં પડનાર યુવકનો જ છે કે નહીં. આ ઉપરાંત આ યુવક કોણ છે અને આપઘાત પાછળના કારણ અંગે પણ તપાસ કરી રહી છે.