હુંફ@બાલાસિનોર: ઠાકોર સમાજના યુવાને એકસાથે અનેક બાળકોના ચહેરા ઉપર ખુશી લાવી દીધી, જાણો રિપોર્ટ

 
Kanera

અટલ સમાચાર ડોટ કોમ, અમદાવાદ

એવું નથી કે શિક્ષણ માટે સરકાર જ કામ કરી રહી છે પરંતુ કેટલાક સામાજીક વિરલા પણ છે, જે પોતાનું યોગદાન આપી રહ્યા છે. અમદાવાદના ઠાકોર સમાજના યુવા પ્રમુખે છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને શિક્ષણ માટે રૂચિ વધે તે માટે અવનવી સેવાકીય પ્રવૃતિઓની ધુણી ધખાવી છે. અવારનવાર શૈક્ષણિક કીટ વિતરણ તો અત્યારે શિયાળામાં સ્વેટર પહેરાવીને બાળકોના ચહેરા ઉપર ખુશી લાવવાનો પ્રયાસ કર્યો છે.

Kanera

બાલાસિનોર તાલુકાના વિવિધ ગામોની શાળામાં ભણતાં બાળકોને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા ત્યારે શાળા પરિસરમાં અનેરો આનંદ છવાઇ ગયો હતો. જાણીએ યુવાનની આજની શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિ વિશેનો અહેવાલ.

Kanera

આજે મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં પહોંચેલા યુવાને એકસાથે અનેક બાળકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અમદાવાદ જિલ્લા પ્રમુખ અનિલજી ઠાકોર છેલ્લા કેટલાય સમયથી શૈક્ષણિક, સામાજીક, સેવાકીય પ્રવૃતિઓ માટે સ્વખર્ચે યોગદાન આપી રહ્યા છે. પ્રાથમિક શાળાઓમાં ભણતાં બાળકો માટે શૈક્ષણિક કીટ આપવા સાથે બાળકોને હુંફ આપવાનું પણ બીડું ઉઠાવ્યું છે.

Kanera

આજે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગુંદેલાભમરીયા, લવારીયા, ભૈડવા, ગુવેડિયા, વચલામુવડા તેમજ કાનેરા ગામોની પ્રાથમિક શાળાઓમાં પહોંચી બાળકોને ખુશ કરી દીધા હતા. હાલમાં શિયાળાની ઋતુ હોઇ બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ સ્વેટરનું વિતરણ કર્યું હતું. જીકેટીએસ (અમદાવાદ જિલ્લા) પ્રમુખ અનિલજીએ સ્વખર્ચે બાળકોને ગરમ સ્વેટર પહેરાવી પ્રેમ અને કાળજીની હુંફ આપતાં વાતાવરણમાં અનેરો ઉત્સાહ ફેલાઇ ગયો હતો. યુવા નેતા અનિલજી ઠાકોર બાળકોની નિ:સ્વાર્થ સેવાની કરતાં હોઇ સમાજમાં પ્રેરણાદાયી સંદેશ પહોંચી રહ્યો છે.