ચૂંટણી@ગુજરાત: આ ઉમેદવાર પાસે છે ઝીરો સંપત્તિ! EC સમક્ષ કર્યો હતો ખુલાસો, જાણો એક જ ક્લિકે

 
Election Commission

અટલ સમાચાર, ડેસ્ક

ચૂંટણી પંચના આંકડા અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે બીજા તબક્કામાં કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો પોતાની નસીબ અજમાવી રહ્યા છે. આમ કુલ 182 બેઠક પર 1621 ઉમેદવારો વચ્ચે બરાબરનો જંગ જામશે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામા પણ રજૂ કર્યા છે. જેમાં કેટલાક એવા ઉમેદવારો પણ છે જેમણે પોતાના સોગંદનામામાં ખૂબ ઓછી સંપત્તિ હોવાનો અથવા કોઈપણ સંપત્તિ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેનો અર્થ એ છે કે આ ઉમેદવાર પાસે 0 સંપત્તિ છે. 

એક રિપોર્ટ અનુસાર, ભૂપેન્દ્ર પટોડિયા જેઓ રાજકોટ પશ્ચિમ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં તેમની પાસે એક પણ રૂપિયાની સંપત્તિ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાના સોગંદનામામાં જણાવ્યું કે તેમની પાસે કોઈ સંપત્તિ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો એવા પણ છે કે જેની પાસે સૌથી ઓછી સંપત્તિ હોવાનો ઉલ્લેખ ચૂંટણી પંચ સમક્ષ કર્યો છે. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવાર બહુજન સમાજવાદી પાર્ટીના રાકેશ ગામીત છે. જેમણે ચૂંટણી પંચને રજૂ કરેલા સોગંદનામામાં તેમની પાસે રૂ. 1,000ની કુલ સંપત્તિ હોવાનો દાવો કર્યો છે. જણાવી દઈએ કે, રાકેશ ગામીત ગુજરાતની વ્યારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

જ્યારે બીજા નંબર પર સૌથી સંપત્તિ ધરાવતા ઉમેદવાર જયાબેન બોરિયા છે, જેમણે પોતાના સોગંદનામામાં 3000 રૂપિયાની સંપત્તિ હોવાનું જણાવ્યું છે, તેઓ ભાવનગરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ત્રીજા સ્થાને સુરતથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સમીર શેખે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં 6,500 રૂપિયાની સંપત્તિ દર્શાવી છે.