દુર્ઘટના@ભાવનગરઃ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત
accident ,,

અટલ સમાચાર, ડેસ્ક

શહેરના નવા બંદર રોડ (Nava Bandar Road) પાસે એક ગમખ્વાર અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવાનોનાં મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ચારેયના મૃતદેહ કારમાંથી બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ (Fire brigade)ની મદદ લેવામાં આવી હતી. નવા બંદર રોડપર ટ્રક (લોડિંગ ડમ્પર) અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

હૈયું હચમચાવી દેતી દુર્ઘટના : મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરની નજીક આવેલા નવા બંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. કાર અને ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા ઉડી ગયા હતા. બનાવને પગલે 108નો સ્ટાફ અને પોલીસ કાફલો દોડી ગયો હતો.

ટ્રક સાથે ટક્કર બાદ કારનો બુકડો બોલી ગયો હોવાથી અંદર સવાર લોકોનાં મૃતદેહ ફસાયા હતા. જે બાદમાં મૃતદેહોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. તમામ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તમામ મૃતકો કરચલીયા પરા વિસ્તારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ જે દ્રશ્યો ઊભા થયા હતા તેને જોઈને હાજર તમામ લોકો હચમચી ગયા હતા.

કારના ફૂરચા નીકળી ગયા: અકસ્માત બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે. કારણ કે ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફૂરચા નીકળી ગયા હતા. કારને એટલું નુકસાન થયું હતું કે, તેમાં સવાર લોકો અંદર જ ફસાયા હતા.તમામ મૃતદેહોને બહાર કાઢવા માટે કારની છતને તોડવી પડી હતી. જે બાદમાં તમામ મૃતદેહ બહાર કઢાયા હતા. અકસ્માતનો ભોગ બનેલી કારનો રજીસ્ટ્રેશન નંબર GJ04CJ-1922 છે. અકસ્માતમાં ટ્રકને પણ આગળના ભાગમાં થોડું નુકસાન થયું હતું.