ગોઠવણ@મહેસાણા: બે નંબરમાં અમેરિકા જવા બોર્ડર પાસ કરવા જેવી ટ્રેનિંગ, કોઇપણ સંજોગોમાં અમેરિકા જવાનો ક્રેઝ

 
Mexico

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં લાખો રુપિયા વસૂલી લોકોને વિદેશ મોકલવાનું એક સુવ્યવસ્થિત રેકેટ પણ વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધી હજારો ગુજરાતીઓ ગેરકાયદે રીતે અમેરિકા જેવા દેશોમાં ઘૂસી ચુક્યા છે. બે નંબરના આ ધંધામાં બધું એટલું સુવ્યવસ્થિત રીતે ચાલે છે કે એજન્ટો પોતાનો મોકલેલો માણસ પકડાય નહીં તે માટે કોઈ ચાન્સ નથી લેતા. 

અમેરિકાની બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરી કરવી કોઈ નાનીસૂની વાત નથી. હાઈટેક સિક્યોરિટી અને પોલીસના ચોવીસે કલાક ચાલતા પેટ્રોલિંગ વચ્ચે પણ કોઈને ગંધ સુદ્ધા ના આવે તે રીતે લોકો અમેરિકામાં ઘૂસી જાય છે. મોટાભાગે કેનેડા તેમજ મેક્સિકો બોર્ડર ક્રોસ કરાવીને લોકોને અમેરિકામાં ઘૂસાડાય છે, અને બોર્ડર કઈ રીતે ક્રોસ કરવી તેની લોકોને ટ્રેનિંગ પણ અપાય છે. ઉત્તર ગુજરાતમાં જ આવા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરી કઈ રીતે 15 ફુટ ઉંચી દીવાલ કૂદવી, કાંટાળી વાડમાંથી કઈ રીતે નીકળવું અને બાળકો અને મોટી-મોટી બેગોને સાથે લઈ કઈ રીતે લાંબા અંતર સુધી દોડવું તેની ટ્રેનિંગ આપવામાં આવે છે.

આ ટ્રેનિંગ કેમ્પ ઉત્તર ગુજરાતમાં ? 

દિલ્હી પોલીસના સૂત્રો પાસેથી મળેલી કેટલીક ચોંકાવનારી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાતના કેટલાક મોટા ફાર્મ હાઉસમાં આ ટ્રેનિંગ કેમ્પ ચાલતા હતા. ખાસ કરીને ઉવારસદ, વિસનગર, મહેસાણા, માણસા, ગાંધીનગર અને પલીયડમાં આવા ટ્રેનિંગ કેમ્પ ચાલતા હતા. ગેરકાયદે રીતે વિદેશ જવાના પ્રયાસમાં પકડાયેલા એક ડઝનથી પણ વધુ કેસની તપાસ દિલ્હી પોલીસ ચલાવી રહી છે. અત્યારસુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ગુજરાતથી અમેરિકા જવા નીકળતા લોકો મેક્સિકોનો રુટ વધારે પસંદ કરે છે. આ રુટને ડોંકી રુટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ટ્રેનિંગમાં શું-શું શીખવાડાય છે ? 

આ ટ્રેનિંગમાં સૌ પહેલા તો અમેરિકા જવા ઈચ્છુક વ્યક્તિને બાળકો તેમજ વજનદાર બેગ્સ સાથે કઈ રીતે લાંબા અંતર સુધી દોડવું તે શીખવવામાં આવતું હતું. ત્યારબાદ 15 ફુટ જેટલી ઉંચી દીવાલ કઈ રીતે કૂદવી તેમજ કાંટાળી તારને કઈ રીતે ઓળંગવી તેની ટ્રેનિંગ શરુ થતી હતી. ખાસ કરીને મેક્સિકો બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં ઘૂસવા માટે તેની ખાસ જરુર પડે છે. કારણકે, અહીંની બોર્ડરનો મોટાભાગનો હિસ્સો ખુબ જ ધારદાર એવી કાંટાળી ફેન્સિંગથી કવર કરવામાં આવ્યો છે, તેમજ ઘણી જગ્યાએ ઉંચી દીવાલો બનાવાઈ છે. અમેરિકામાં ઘૂસવા વિકટ સ્થિતિમાં લાંબો સમય ચાલવું પણ પડે છે. જેની ટ્રેનિંગ પણ એજન્ટો આપતા હતા તેમાં ઓછા પાણી અને ખોરાક સાથે કઈ રીતે ટકી રહેવું તે પણ શીખવવામાં આવતું હતું. પોલીસનું માનીએ તો જે લોકો બોર્ડર ક્રોસ કરવા નીકળતા તેમને એજન્ટો માત્ર કેન્ડી અને ચોકલેટ જ આપતા તેમજ બાળકો માટે થોડા દિવસો ચાલે તેટલું ફોર્મ્યુલા મિલ્ક અપાતું હતું. જોકે કયા ફાર્મ હાઉસોમાં આ ટ્રેનિંગ કેમ્પ ચાલતા હતા તે પણ હાલ પોલીસ શોધી રહી છે.

જાણો સમગ્ર મામલો કેવી રીતે બહાર આવ્યો ? 

મહેસાણાનો મિતેષ પટેલ નામનો એક યુવક અમેરિકા જતા તુર્કીમાં પકડાયો હતો. ફેક પાસપોર્ટ પર પ્રવાસ કરી રહેલા મિતેષના આ પાસપોર્ટ પર મેક્સિકોના વિઝાનું સ્ટિકર લગાડેલું હતું. મિતેષને તુર્કીથી ડીપોર્ટ કરાયો ત્યારે તે દિલ્હી લેન્ડ થયો હતો. દિલ્હી પોલીસે ઓક્ટોબર 2021માં મિતેષની ધરપકડ કરીને તપાસ શરુ કરી હતી. પોલીસે આ કેસમાં નારણ ચૌધરી નામના એક એજન્ટની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં મહેસાણા તેમજ ગાંધીનગર જિલ્લામાં ચાલતા ટ્રેનિંગ કેમ્પનો ભાંડો ફુટ્યો હતો. આ સાથે નારણ ચૌધરી ગેરકાયદે રીતે અમેરિકા જવા માગતા લોકોને વિઝા સ્ટીકર સાથેના પાસપોર્ટ પુરા પાડતા હોવાનો આરોપ છે. નારણ ચૌધરીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, લાખો રુપિયા ચાર્જ કરતા એજન્ટો ક્લાયન્ટ્સને ટ્રેનિંગ કેમ્પમાં લાવતા હતા, જ્યાં તેમને 15 દિવસથી લઈ ત્રણ મહિના સુધી રાખવામાં આવતા અને આકરી ટ્રેનિંગ અપાતી.