પ્રચાર@ખેરાલુ: ટિકિટ એક હોય તો એકને જ મળે, આ વખતે સરદારભાઇને આપી, અજમલજીની જવાબદારી મારી: અમિત શાહ

 
Amit Shah

અટલ સમાચાર, મહેસાણા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખેરાલુમાં સભા સંબોધી હતી. ખેરાલુમાં જાહેર સભા સંબોધતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના રાજમાં પાકિસ્તાનથી રોજ આલિયા-માલિયા ઘૂસી જતા હતા. આ સાથે કહ્યું કે, 1963થી ભૂમિપૂજન બાદ 2001 સુધી નર્મદાનો કેસ ગૂંચવાળી રાખ્યો હતો. ત્યારે 2004માં નરેન્દ્રભાઈના રાજમાં નર્મદાની ઉંચાઈ વધારવાની પરમિશન મળી હતી. તેમજ કહ્યું કે, રામ મંદિર માટે હજારો લોકોએ બલિદાન આપ્યું, પણ કોંગ્રેસીયાઓએ તેને અટકાવી રાખ્યું હતું. વર્ષ 2002માં જે રમખાણો થયા એમને નરેન્દ્રભાઇએ એવો પાઠ ભણાવ્યો કે 2022 સુધી કોઇએ ઊંચુ માથું નથી કર્યું. 

અમિતશાહે કહ્યું કે, સૌથી વધારે દૂધ ઉત્પાદન કરવામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે. નરેન્દ્રભાઇએ કૃષી ક્ષ્રેત્રે અને પશુપાલન ક્ષ્રેત્રે ગુજરાતનો વિકાસ કર્યો છે. ભાજપની સરકારમાં પાકિસ્તાનને ફીણ આવી ગયા, ઘરમાં ઘૂસીને માર્યા હતા. કોંગ્રેસની સરકારમાં પાકિસ્તાનથી રોજ આલિયા-માલિયા ઘૂસી જતા હતા અને જવાનો શહિદ થતાં હતા. સોનિયા ગાંધી-મનમોહન સિંહે 11 નંબરે દેશને રાખ્યો હતો, નરેન્દ્રભાઇએ પાંચમાં નંબરે લાવ્યો, નરેન્દ્રભાઇએ દેશનું સન્માન દુનિયામાં વધાર્યું છે.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તર ગુજરાતે પરિવર્તન ના કર્યું હોત તો રણમાં બદલાઈ ગયું હોત. નરેન્દ્રભાઇએ વડાપ્રધાન બન્યાબાદ ઉત્તર ગુજરાતને ન્યાલ કરી દીધું. રાહુલ ગાંધી ચૂંટણી ટાણે મીઠુ ભભરાવી રહ્યા છે, લાજવાને બદલે ગાજે છે. રાહુલબાબા પદયાત્રામાં મેધા પાટકરને લઇને નીકળ્યા છે. આ મેધા પાટકર એ છે જેણે ગુજરાતને પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું હતું. 1963થી નર્મદાનું ભૂમિપૂજન થયું હતું, 2001 સુધી નર્મદાનો કેસ ગુચવાળી રાખ્યો હતો. વડાપ્રધાને પાણી ગામડે ગામડે પહોંચાડ્યું છે. તમારો એક મત 2022 માટે જ નહીં, પણ 2024 માટે પણ હશે. ટિકિટ એક હોય તો એકને જ મળે, આ વખતે સરદારભાઇને આપી છે, અજમલજીની જવાબદારી હું લવ છું, તમે ચિંતા ન કરતા.