બિગબ્રેકિંગ@મહેસાણા: ઉત્તર ગુજરાતમાં "AAP"નો મોટો ખેલ ? વિપુલ ચૌધરી "ઝાડુ" પકડશે, જાણો શું કહ્યું ગોપાલ ઈટાલિયાએ ?

 
Vipul Chaudhary

અટલ સમાચાર, મહેસાણા

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી AAPમાં જોડાય તેવી માહિતી સૂત્રો દ્વારા સામે આવતા ઉત્તર ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અર્બુદા સેનાના આગેવાનને ટિકિટ આપી મેદાનમાં ઉતારી શકે તેવી પ્રબળ શકયતાઑ સેવાઇ રહી છે. આવી ચર્ચા વચ્ચે વિધાનસભા ચૂંટણી અગાઉ ડેરીની પેટાચૂંટણીની પણ ચર્ચા જાગી છે. જો આમ કરવામાં નહી આવે તો વિપુલ ચૌધરી આપમાં જોડાઈ શકે છે. આમ ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં AAP મોટો ખેલ પાડે તેવી શક્યતા સેવાઈ રહી છે. 

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામે ગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા. વિપુલ ચૌધરીના આપમાં જોડાવા વચ્ચે ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અર્બુદા સેના AAPને સમર્થન આપી શકે છે તેવું ઇટાલિયાએ જણાવ્યું હતું. ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ વિપુલ ચૌધરીના વખાણ પણ કર્યા હતા.આથી આમ આદમી પાર્ટી અને અર્બુદા સેનાના ચૂટંણીમાં નવા જ સમીકરણો રચી શકે છે.

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી

વિપુલ ચૌધરીએ માધ્યમિક સુધી મહેસાણામાં શિક્ષણ મેળવ્યા બાદ અમદાવા કોલેજ કરી હતી. જેમાં એલડી કોલેજમાં જનરલ સેક્રેટરી રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જિતતા લાઈમ લાઇટમાં આવ્યા હતા. બાદમાં શંકરસિંહના કહેવાથી ભાજપમાં જોડાયા હતા અને 1995માં ધારાસભ્ય બન્યા હતા. કેશુભાઈની સરકારમાં મંત્રી પદ ભોગવ્યા બાદ શંકરસિંહે બળવો કરતાં વિપુલ ચૌધરીએ ટેકો આપ્યો હતો. ત્યારબાદ ગૃહમંત્રીપદ પણ મેળવ્યું હતું. વધુમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દુધસાગર ડેરીના ચેરમેન પણ બન્યા હતા. આ દરમિયાન સાગર દાણ કૌભાંડના આક્ષેપને લઈને ચેરમેન પદેથી હટાવાયા હતા અને ફરિયાદ થતાં સીઆઈડી અને ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.

ઉત્તર ગુજરાતમાં 7 લાખ મતદારો પર વિપુલ ચૌધરીનું પ્રભુત્વ 

વિપુલ ચૌધરીનું પંથકના 7 લાખ મતદારો પર સારું એવું પ્રભુત્વ હોવાનું પણ સામે આવ્યું છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. જે વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે 7 લાખ જેટલા મતદારો છે.