બિગબ્રેકિંગ@મહેસાણા: અર્બુદા સેનાના મહાસંમેલનમાં વિપુલ ચૌધરી સત્તાવાર રીતે આપમાં જોડાશે, જાણો કઈ તારીખે ?

 
Vipul Chaudhary

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ હવે રોજ નવી બાબતો સામે આવી રહી છે. તેવામાં આજે ઉત્તર ગુજરાતના રાજકારણને એપી સેન્ટર મહેસાણાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રીનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 15મી નવેમ્બરે ગાંધીનગરના ચરાડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલનમાં વિપુલ ચૌધરી સત્તાવાર રીતે આપમાં જોડાશે.

અર્બુદા સેનાના મહામંત્રી રાજુભાઇ ચૌધરીના નિવેદન અનુસાર, આગામી 15મી નવેમ્બરે ગાંધીનગરના ચરાડા ખાતે અર્બુદા સેનાનું મહાસંમેલન યોજવા જઇ રહ્યું છે. આ સંમેલન દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા અર્બુદા સેના સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. તે ઉપરાંત વિપુલ ચૌધરી પણ એ જ સમયે સત્તાવાર રીતે આપમાં જોડાશે. ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન વખતે જ અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે. જોકે, આ અંગે આમ આદમી પાર્ટી તરફથી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિસનગર વિધાનસભા સીટ પર ભાજપે ઋષિકેશ પટેલને ટિકિટ આપી છે. તેવામાં વિપુલ ચૌધરી આપમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે તો ચોક્કસ રીતે ઋષિકેસ પટેલ માટે મોટા પડકારો ઉભા થઈ શકે છે. ભાજપનો ગઢ ગણાતી વિસનગર વિધાનસભા સીટ પર આ વખતે ત્રિપાંખીયો જંગ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. 1995થી લઇને 2017 સુધી વિસનગર સીટ પર ભાજપનો વિજય થયો છે. વર્ષ 2007, 2012, 2017માં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિજેતા બન્યા હતા. તો 2022માં પણ ઋષિકેશ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરતાં પાર્ટીએ તેમને ટિકિટ આપી છે.