કાર્યવાહી@ગુજરાત: દારૂ પીને ST ચલાવતા ડ્રાઇવર-અનિયમિત કંડકટર્સ ચેતજો, 2 મહિલા સહિત 11 કંડકટર બરતરફ, 15 કર્મચારી સસ્પેન્ડ

 
GSRTC

અટલ સમાચાર, ડેસ્ક 

ST વિભાગે દારૂ પીને ગાડી ચલાવનારા ડ્રાઇવરો તેમજ ફરજમાં અનિયમિતતા દાખવનારા કંડકટરોની સામે કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. સુરતમાં છેલ્લા બે મહિનામાં એસટી વિભાગે બે મહિલા સહિત 11 કંડકટરોને બરતરફ કર્યા છે, જ્યારે દારૂ પીને ડ્રાઇવિંગ કરનારા તેમજ અન્ય બેદરકારી દાખવનારા 15 કર્મચારીને પણ સસ્પેન્ડ કરાયા છે.

સુરત ST વિભાગે બારડોલીના કંડકટર એમ.એસ. માંજરી, ઓલપાડના બી.કે. પટેલને કેફી દ્રવ્યનું સેવન કરી ફરજ પર આવવા બદલ સ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત ઝેડ.જી. પઠાણ, એચ.એમ. ગામીત તેમજ આર.એમ. જોષીને મેઇન્ટેનન્સની કામગીરી યોગ્ય રીતે નહીં કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે. આ સાથે જ બીજા 11 લોકોને પણ સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત બે મહિનાથી ગેરહાજર રહેનાર કંડકટરો મોસમબેન ચૌધરી, ધવકલુમાર નાયકા, અશ્વિન ચૌધરી, સચિનકુમાર પટેલ, ધરતી ચૌધરી, કેતનકુમાર પ્રજાપતિ, કેતનકુમાર પટેલ, કેતનકુમાર ઠાકર, સુહાગકુમાર સથવારા, મનિષકુમાર સોલંકી અને સચિન જોષીને ફરજ ઉપરથી બરતરફ કરાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી અનેક કંડકટરો તેમજ ડ્રાઇવરો પોતાની ફરજ યોગ્ય રીતે કરતા ન હતા. મેઇન્ટેનન્સ હોય કે પછી ડ્રાઇવિંગ હોય, તેવી તમામ કામગીરીમાં નશીલા પ્રદાર્થના સેવનથી અન્ય મુસાફરોને હેરાનગતિ થઇ રહી હતી. આવી ફરિયાદો એસટી વિભાગને મળી હતી. તેથી એસટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ફરજમાં બેદરકારી હોય કે પછી ગેરરીતિ કરતા હોય તેવા તમામ કર્મચારીની સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.