નિવેદન@ગુજરાત: કાંકરિયા કાર્નિવલને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને શું કહ્યું?

 
Kankriya carnival

અટલ સમાચાર, ડેસ્ક

એક તરફ ચીન સહિતના દેશોમાં કોરોના ફરી હાહાકાર મચાવી રહ્યો છે. તેના પગલે ભારત સહિત ગુજરાતમાં આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. એક તરફ કોરોના સામે આરોગ્ય તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરાયો છે તો બીજીતરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ યોજી રહ્યું છે. કોરોનાને વધતો અટકાવવો હોય તો કાંકરિયા કાર્નિવલ સહિતના મોટા મેળાવડાનું આયોજન ટાળવું જોઈએ તેવી સલાહ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નિષ્ણાતો આપી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ યોજવાનું જાહેર કરી દીધુ છે. આ ઉજવણી દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય છે. એટલું જ નહિ ફ્લાવર શોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જોકે તંત્ર દ્વારા માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમો બનાવ્યા છે. પરંતુ જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય ત્યારે સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જળવાય તે સૌથી મોટો સવાલ છે. કોરોનાની આ દસ્તક વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના મીડીયા કન્વીનર ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, કોરોનાને રોકવો હોય તો મોટા મેળાવડા રોકવા પડશે. તંત્ર દ્વારા કાંકરિયા કાર્નિવલ જેવા ઓયોજન થઈ રહ્યાં છે. તેના સવાલમાં તેઓએ જણાવ્યું કે, અત્યારે ખુબ સાવધાનીની જરુર છે. કોઈએ પેનીક નથી કરવાનું પણ મોટા ગેધરીંગ એવોઈડ કરીશુ તે જરુરી છે. લગ્ન પ્રસંગ જેવા નાના ગેધરીંગમાં લોકો જાયતો તેમાં પણ કોવિડની ગાઈડલાઈન માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું જેવા નિયમોનું પાલન કરે તે જરુરી છે.

  

આ ઉપરાંત તેઓએ એમ પણ ઉમેર્યુ કે, સરકારે તમામ હેલ્થ સેન્ટરમાં દવાઓનો પુરતો સ્ટોક છે કે નહિ તે વેકસીનનો જથ્થો ઓક્સિજનનો જથ્થો તે પુરતો સ્ટોક છે કે નહિ તે ચેક કરી લેવાની પણ સલાહ આપવામાં આવી છે. તેમજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સાડા ત્રણ લાખ ડોક્ટર સેવામાં હાજર રહેશે તેવું પણ જાહેર કર્યું છે. તેમજ લોકોએ ઈન્ટરનેશનલ ટ્રાવેલીંગ કરવાનું ટાળવું જોઈએ અને જે દેશોમાં કોરોના વધુ ફેલાયો છે. ત્યાંથી આવનારા લોકોનું સ્ટ્રીકલી આરટીપીસીઆર ટેસ્ટ કરવા સૂચન કરાયું છે.