રિપોર્ટ@રાધનપુર: બંને નેતા લોકો વચ્ચે, એક સામાજીક રીતે તો બીજા કામની રીતે, કોણ મારશે બાજી ? જાણો અહિં

 
Radhanpur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાધનપુર વિધાનસભા એટલે સામાજીક રીતે ઉત્તર ગુજરાતની સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠક માનવામાં આવે છે. પૂર્વ મંત્રી શંકરી ચૌધરી બાદ ઠાકોર સેના નેતા અલ્પેશ ઠાકોરના નેતૃત્વ પછી કોંગ્રેસના રઘુ દેસાઈને મળી છે. ચૂંટણીની હારજીતમાં સામાજીક ચક્રવ્યૂહ ખૂબ જ અગત્યનું જોકે ગત પેટા ચૂંટણીમાં રઘુ દેસાઈએ જીત મેળવી હતી. તો આ વખતે સામાજીક આગેવાન અને ભાજપના નેતા લવિંગજી ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઈ અને ત્રીજા આમ આદમી પાર્ટીના લાલજી ઠાકોર પણ મેદાનમાં છે. હવે રાધનપુર વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ ઠાકોર મતદારો હોઇ લવિંગજી પણ જીતનો દાવો કરી રહ્યા છે. હવે સામાજીક રીતે અને કામની ગણતરી સિવાય ત્રિપાંખિયો જંગ જોઈએ તો કોણ કેવી રીતે બાજી મારી શકે તે સમજીએ.

પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર લવિંગજી લોકો વચ્ચે જોઈ ગામઠી ભાષામાં મતદારોનું મન આકર્ષવા મથી રહ્યા છે. તમારો છું, સ્થાનિક છું, ભૂલચૂક માફ કરજો, ગમે ત્યારે ફોન ઉપાડીને વાત કરૂં છું, તમારી સમસ્યા હોય ત્યારે દોડીને કામ કરૂં છું એ રીતના શબ્દો સાથે મતદારોને શરણે જઈ રહ્યા છે.‌ તો આ તરફ કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ ગત ચૂંટણીમાં જીત બાદ કેટલું કામ કર્યું, હું પણ સ્થાનિક છું, વિધાનસભામાં રાધનપુર શહેર અને ગ્રામ્યના પ્રશ્નો ઉઠાવ્યા છે, સત્તા માટે કોઈ લોભ લાલચ નથી, ભ્રષ્ટાચાર કરતો નથી એ પ્રકારે મતદારોને રિઝવવા મથી રહ્યા છે. હવે આ બંને સિવાય આમ આદમી પાર્ટીના લાલજી ઠાકોર ભલે નવો ચહેરો લાગતા હોય પરંતુ ઠાકોર મતદારોની સંખ્યા જોતાં ઠાકોર મતોનું ધ્રુવિકરણ થઈ શકે તેવી શક્યતા છે. આ સાથે કેજરીવાલ પણ એક ચહેરો હોઈ મતદારો એ દિશામાં જઈ શકે કે કેમ તે સવાલ છે. આ ત્રિપાંખિયો જંગ હોઇ સામાજીક રીતે અને કામની રીતે મતદારોને આકર્ષવા ત્રણેય નેતાઓ તનતોડ મહેનત કરી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રઘુ દેસાઈ, લવિંગજી ઠાકોર, લાલજી ઠાકોર કે અન્ય ઉમેદવાર પૈકી કોણ રાધનપુર વિધાનસભા જીતી શકે તે મુદ્દે મતદારોમાં અલગ અલગ અભિપ્રાય છે. જોકે સામાજીક પરિબળો, રઘુ દેસાઈની ભ્રષ્ટાચાર બાબતે સ્વચ્છ છબી અને બંને નેતાઓ લોકો વચ્ચે રહેતાં હોઈ ચૂંટણી ખૂબ જ રસાકસીભરી અને રસપ્રદ બનશે તે નક્કી છે. ભાજપને એક તરફ રાજ્યમાં ફરી એકવાર સરકાર બનશે તેવી આશા હોઈ લવિંગજી રાધનપુર વિધાનસભા જીતશે તેવો દાવો કરી ખૂબ જ ઉત્સાહિત છે. તો બીજી તરફ રઘુ દેસાઈ ગુજરાતમાં આ વખતે પરિવર્તન થવાની આશા રાખી ફરી એકવાર રાધનપુર વિધાનસભા જીતશે તેવો દાવો કરી રહ્યા છે. જોકે આ તમામ બાબતો વચ્ચે રાધનપુર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પ્રચાર, મતદાન દિવસ અને પરિણામ સુધીની ગતિવિધિ રસપ્રદ રહેશે.