સ્પેશિયલ@ખનીજ: આ નદી પટમાં રેતીચોરોને મોકળું મેદાન કેમ? કરોડોની ચોરી કરી લાખોમાં છૂટી જાય, ફરીથી ચોરી ચાલું

 
Khanij

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

રેતીચોરો વારંવાર મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે કે પછી ખનીજ કાયદાનો ડર નથી ? અથવા તો પૂર્વ આયોજિત છે કે, કરોડોની રેતી ચોરો અને લાખોમાં છૂટી જાઓ ? હારીજ વિસ્તારમાં આવેલ નદી પટમાં જે ચોક્કસ બેલ્ટ છે ત્યાંથી અવારનવાર થતી રેતી ચોરી આધારે હવે આ સવાલો પણ છાપરે ચડી પૂછી રહ્યા છે. આ ચોક્કસ નદી બેલ્ટમાં રેતીચોરોને શું મોકળું મેદાન મળી ગયું છે? જો મળ્યું છે તો કોને અને કોના કહેવાથી મોકળું મેદાન આપ્યું? આ ગંભીર સવાલો છે. આટલું જ નહી આ નદી બેલ્ટમાં રેતીચોરી બંધ કરાવવા ભાજપ અને કોંગ્રેસ પણ એક છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ......

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખલ વિસ્તારના નદી બેલ્ટમાં ગત દિવસે ઝડપાયેલી રેતી ચોરી સરકારની પ્રસંશાપાત્ર કાર્યવાહીને બદલે શંકાસ્પદ બની છે. હવે કાર્યવાહી તો સારી જ હોય પરંતુ શંકાસ્પદ કેમ ? તો સમજો કે, કાર્યવાહી સંપૂર્ણ પારદર્શક અને છેક સુધીની હોવી જોઈએ ને. રેતી ચોરી ઝડપી લીધા બાદ સ્થળ ઉપરની સ્થિતિ આધારે સ્થાનિકોમાં ચર્ચા હતી કે, સરેરાશ 40થી 50 લાખનો દંડ આવશે. જોકે માપણી થઈ કે નહિ એ જ ખબર આવતી નથી અથવા જો માપણી થઈ તો કેટલી થઈ એ પણ સવાલ છે. હવે આ નદી બેલ્ટમાં વારંવાર રેતીચોરીને મોકળું મેદાન કેમ? આ સવાલનો જવાબ મળવો જોઈએ, જોકે આ એક મોડસ ઓપરેન્ડીનો ભાગ હોઇ શકે છે. ખાખલથી બનાસકાંઠા તરફનો આ નદી બેલ્ટ રેતીથી ભરપૂર છે. પાટણના લોકો અને બનાસકાંઠાના લોકો આ નદી બેલ્ટમાં લીઝ/પરમિટ ધરાવે છે. હવે આ લીઝ વાળી જગ્યાને બદલે બહારના હદ વિસ્તારમાં બેફામ ખનન કરે છે. દિવસે લીઝમા અને રાત્રે લીઝ બહાર ગેરકાયદેસર ખનન કરી સરકારને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાખથી ભદ્રેવાડી વચ્ચેના આ નદી બેલ્ટમાં રાજ્ય સરકાર અગાઉ બ્લોક પાડી હરાજી કરવાની હતી. આ હરાજી થાય અને જો સંપૂર્ણ પારદર્શક થાય તો સરકારને કરોડોની આવક ઉભી થતી હતી. જોકે કોઈ ભેદી સંજોગોમાં આ બ્લોક પાડવાની કામગીરી વિલંબમાં જતાં અહિ રેતીચોરોને મોકળું મેદાન મળી ગયું છે. રેતીચોરો અનેક દિવસો સુધી રોજેરોજ બેફામ રેતી કાઢી કરોડોની બેનામી સંપત્તિ વસાવી લે છ, હવે જો કોઈ સમયે ઝડપાઇ જાય તો લાખોની કિંમતનો દંડ ભરી છૂટી જાય છે. એટલે કે કરોડોની ચોરીને લાખોનો દંડ કાઢતાં હિસાબ કરો તોય રેતીચોરોને જબરજસ્ત હદે બેનામી આવક મળી રહે છે.

આ સમગ્ર કારસો કેવી રીતે ભેદી શકાય?

હવે જો આ કારસો/ષડયંત્ર/ભેદભરમ કે સેટિંગ્સ તોડી સરકારને મોટી વસૂલાત ઉભી કરવી હોય તો પણ સરળ છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લા સિવાય જો ગાંધીનગરથી સ્પેશિયલ ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમ રેઇડ કરે અને દાખલારૂપ સાચો દંડ ફટકારે તો રેતીચોરોએ મોકળું મેદાન છોડવું પડે તેવી સ્થિતિ બની શકે છે.