સ્પેશિયલ@ડાંગ: કરોડોના ખર્ચવાળી પીએમ સિંચાઇ યોજનામાં ભ્રષ્ટાચારની બૂમરાણ શું ચૂંટણી મુદ્દો બનશે❓હવે મતદારો જ કિંગ

 
Dang

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ડાંગ વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના ઉમેદવારોએ તનતોડ મહેનત આદરેલી છે ત્યારે વિવિધ મુદ્દાઓ અસરકારક બનશે એ નક્કી છે. સામસામે આક્ષેપ, પ્રતિ આક્ષેપ અને પોતાની વાતો રજૂ કરતાં ઉમેદવારો જીત મેળવવા ભારે મનોમંથનમાં છે. આ તમામ ગતિવિધિ વચ્ચે સૌથી મોટી વાત એ સામે આવી છે કે, બરાબર ચૂંટણી પહેલાં ડાંગ જિલ્લામાં ખેતીવાડી બાબતે કેન્દ્ર રાજ્ય સરકારે લાલ જાજમ જેવી યોજના આપી દીધી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનામાં ખેડૂતોને કૂવો બનાવી આપી પાણી ખેંચવા સોલાર સિસ્ટમ પણ આપી છે. 

Dang

જોકે યોજનાના કેટલાક કાગળોનો અભ્યાસ કરતાં સામે આવ્યું કે, કરોડોના ખર્ચવાળી આ યોજનામાં લાભાર્થી ખેડૂતોએ બૂમરાણ મચાવી હતી, રજૂઆતો કરી કરીને થાકી ગયેલા ખેડૂતો શું આ યોજનાથી લાભાન્વિત થયા ? શું આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હતો ? અનેક ખેડૂતોના સૂકા કૂવા અને તેની ફરિયાદો શું ટોપ ચૂંટણી મુદ્દો બનશે ? મતદાનમાં કયા ઉમેદવારને ખેડૂતો રાજી કરશે અને કોનો ગરબો ઘેર લાવશે તે હવે મતદાર નામના કિંગ નક્કી કરશે. ડાંગમાં કેવીરીતે અને કેમ અસરકારક બની શકે પીએમ સિંચાઇ યોજના ? આવો સમજીએ.

2

ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ દ્વારા ડાંગ જિલ્લામાં તાજેતરમાં જ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એજન્સી દ્વારા સર્વે કરી ચોક્કસ ખેતર(જમીન) શોધી કૂવો ખોદવાની જગ્યા ફાઇનલ થઇ હતી. અનેક ઠેકાણે કૂવા ખોદવામાં આવ્યા, સોલાર સિસ્ટમ પણ લગાવવામાં આવી, જોકે ગણતરીના દિવસોમાં કલેક્ટર કચેરીમાં ફરિયાદો ઉભરી આવી હતી.

3

કૂવો ખૂબ જ ઓછી ઉંડાઇનો બનાવી કોન્ટ્રાક્ટર એજન્સી ચાલી ગઈ, પીએમ સિંચાઇ યોજનામાં ભ્રષ્ટાચાર થયો, કૂવા નકામા ગયા, હજુ વધુ ઉંડાઇ કરો સહિતના વિષય સાથેની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. આથી કલેક્ટર કચેરીએ સમગ્ર મામલે ઉકાઇ સ્થિત નિગમની કચેરી પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો.

4

આ તરફ ડાંગ જિલ્લા પંચાયત સમક્ષ પણ કામગીરી બાબતે અનેક પ્રશ્નો રજૂ થયાં હોઈ ઉકાઇ સ્થિત નિગમની કચેરીએથી રિપોર્ટ મંગાવ્યો હતો. નિગમે તમામ રજૂઆતોમાં એક જ વાત કરી કે, કૂવાની જે કોઈ મર્યાદા હતી તેટલી જ ઉંડાઇનું ખોદકામ થશે અને થયું છે. આવી સ્થિતિમાં ખેડૂતોની ભારેખમ બૂમરાણ છતાં હકારાત્મક પરિણામ મળ્યું નહોતું. આથી ખેડૂતોને જે તે હાલતમાં કૂવો સ્વિકારવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહોતો. તો વળી આ મુદ્દો અગત્યનો બની જતાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. કોંગ્રેસને ઝંપલાવતા મામલો વહીવટી વમળમાંથી રાજનિતિક બનવા લાગ્યો હતો. જેથી સ્થાનિક ભાજપી આગેવાનો અને મંત્રી સહિતના પણ દોડી આવી જરૂરી સૂચનાઓ આપી ગયા હતા.

5

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખૂબ રજૂઆત, લડત, ફરિયાદ, બૂમરાણ છતાં અનેક કૂવા આજે પણ સૂક્કા ભઠ્ઠ, સોલાર સિસ્ટમ બિન ઉપયોગી રહેતાં ખેડૂતો ચિંતિત રહ્યા છે. વધુ ઉંડાઇનો કૂવો ખોદાવવા અનેક ખેડૂતોએ ભારે દોડધામ કરી પરંતુ ઉકાઇ સિંચાઇ કચેરીના સત્તાધિશો કે કલેક્ટર કચેરી પણ નારાજ ખેડૂતોને રાજી કરી શકી નહોતી. આખરે ખેડૂતોએ જેવો મળ્યો તેવો કૂવો સ્વિકારી લેવાની નોબત આવી હતી. જોકે યોજનાની કામગીરી પૂર્ણ થયાને ગણતરીના મહિનામાં ડાંગ વિધાનસભાની ચૂંટણી આવતાં ખેડૂતો પણ સફાળા જાગી ગયા છે. આથી હવે સવાલ એ ઉભો થાય છે કે, ડાંગના ખેડૂતો કયા ચૂંટણી મુદ્દે મતદાન મથકે જશે ? ક્યા મુદ્દે મતદાન કરી કયા ઉમેદવારને અસરકર્તા બનશે ? આ તમામ સવાલો અને તેની સંભવિત અસર જોતાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ડાંગ વિધાનસભાના કયા ઉમેદવારને જીતાડી શકે અને કયા ઉમેદવારનો ગરબો ઘેર કરી શકે એ બાબત હવે કિંગની ભૂમિકામાં આવી ગયેલા મતદારોના હાથમાં છે.

કોણ છે ઉમેદવારો

ભાજપના ઉમેદવાર : વિજયભાઈ પટેલ

કોંગ્રેસના ઉમેદવાર : મુકેશભાઇ પટેલ

આમ આદમી પાર્ટી : સુનિલભાઈ ગામિત