ગીર-સોમનાથ: વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના નવા નુસખાનો પર્દાફાશ, તમે જાણીને ચોંકી જશો
દારૂ

અટલ  સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં દારૂના જથ્થાની હેરાફેરી માટે બુટલેગરો અલગ અલગ તરકીબો અજમાવતા હોય છે. ખાસ કરીને સરહદ નજીકની ચેકપોસ્ટ પરથી વિવિધ યુક્તિઓ અજમાવી દારૂની હેરાફેરી પોલીસ ઝડપી પાડતી હોય છે. હવે કેરીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે.

હાલ ગુજરાતમાં કેરીની સિઝન ચાલી રહી છે. તેમાં પણ તાલાળા ગીરની કેસર કેરીની બોલબાલા છે. જોકે, હાલ કેસર કેરીની સિઝન પૂર્ણ થવાને આરે છે. હવે પછી માર્કેટમાં કચ્છી કેરીનું મોટા પ્રમાણમાં આગમન થશે. આ દરમિયાન ગીર-સોમનાથ પોલીસે કેસર કેરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. કેસર કેરીના બોક્સમાંથી દારૂ ઝડપાતા પોલીસ પણ ચોંકી હતી.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
ઉના શહેરમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો: મળતી માહિતી પ્રમાણે ઉના પોલીસે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના નવા નુસખાનો પર્દાફાશ કર્યો છે. હાલ કેરીની સિઝન પૂરબહારમાં છે ત્યારે ધરપકડ કરવામાં આવેલા બંને શખ્સો કેરીના બોક્સમાં દારૂ અને બિયરની બોટલો ગોઠવીને તેની હેરાફેરી કરી રહ્યા હતા.


પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કેરીના બોક્સની આડમાં છૂપાવેલા 31 હજાર રૂપિયાની કિંમતની વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગીર-સોમનાથ જિલ્લાના ઉના શહેરના બસ સ્ટેશનમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે બે વ્યક્તિઓ પાસે રહેલા કેસર કેરીના બોક્સની તપાસ કરતા સમગ્ર ભાંડાફોડ થયો હતો. આ સાથે જ પોલીસે બંને શખ્સની ધરપકડ કરી છે.


પોલીસે જ્યારે બંને વ્યક્તિને કેરીનું બોક્સ ખોલવાનું કહ્યું ત્યારે અંદરથી દારૂની બોટલો અને બિયરની બોટલો મળી હતી. આ દ્રશ્યો જોઈને એક ક્ષણ માટે સ્થળ પર હાજર તમામ લોકો વિસ્મય પામ્યા હતા. કારણ કે સૌ કોઈને એવું હતું કે બોક્સની અંદર કેરી છે, પરંતુ બોક્સ ખુલતાની સાથે અંદરથી દારૂ મળી આવ્યો હતો.

કેરીના બોક્સનું પેકિંગ એવી રીતે કરવામાં આવ્યું હતું કે, જેનાથી કોઈને એવું જ લાગે કે અંદર કેરી છે. કેરીનું બોક્સ બંધ કરીને ઉપર દોરી લગાવી દેવામાં આવી હતી. બોક્સની અંદર જેવી રીતે કાગળ મૂકવામાં આવે છે તે જ રીતે કાગળ પણ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસ ઊંડી તપાસ કરશે તો મોટા ધડાકા થઈ શકે છે.