ભૂંકપ@વાંસદા: મધરાતે 2.7ની તીવ્રતા સાથે ધરા ધ્રૂજી ઉઠી, લોકોમાં ભયનો માહોલ
અટલ સમાચાર, ડેસ્ક
વરસાદી વાતાવરણ વચ્ચે વાંસદા તાલુકામાં વાંસદા, મહુવાસ, આંબાબારી, તાડપાડા, સીતાપુર, રાણી ફળિયા, ઉપસળ, મોટીભમતી સહિતનાં વિસ્તારોમાં સોમવારના રોજ રાત્રે 11.58 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં વરસાદની શરૂઆત બાદ અને બન્ને ડેમમાં ફૂલ પાણી હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂકંપના આંચકા આવવાના શરૂ રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. 18મી સપ્ટેમ્બર સોમવારના રોજ મધ્ય રાત્રિ 11.58 કલાકે જોરદાર ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
સરકારી વેબસાઈટ મુજબ આ ભૂકંપની તીવ્રતા 2.7 અને ઉકાઈથી 51 કિલોમીટર દૂર કેન્દ્ર હોવાની જાણકારી મળી હતી. આ ભૂકંપનું એપી સેન્ટર 20.753 ડિગ્રી રેખાંશ અને 73.432 ડિગ્રી અક્ષાંશ પર જેની ડેપ્થ 9.7 કિલોમીટર નોંધાઈ હતી. અવારનવાર આવતા ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ભૂકંપના આંચકાનો અનુભવ વાંસદા, મહુવાસ, આંબાબારી, તાડપાડા, સીતાપુર, રાણી ફળિયા, ઉપસળ, મોટીભમતી સહિત અનેક વિસ્તારોના લોકોને થયો હતો.